કમુરતાં ઊતર્યાં પૂર્વે જ સોના-ચાંદીમાં તેજી, લગ્નની સિઝનમાં ભાવ ઉંચકાશે

0 2

અમદાવાદ, શનિવાર
સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં તેજીની ચાલ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૩૩૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી જતાં સ્થાનિક બજારમાં દશ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૩૦,૯૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં રૂ. ૫૦થી ૩૦૦નો સુધારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં એક મહિનામાં ૬.૩૫ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કમુરતાં બાદ લગ્નસરાની ખરીદી નીકળે તેવા આશાવાદે હોલસેલ અને સેમી હોલસેલ વેપારીઓ દ્વારા નોંધાયેલી ખરીદીના પગલે સોના અને ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો હતો. દરમિયાન આજે શરૂઆતે ચાંદીનો ૩૯,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

સોનાના વાયદાના ભાવમાં ૦.૨૬ ટકાનો સુધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. વાયદાના ભાવમાં ૦.૨૬ ટકાનો મજબૂત સુધારો નોંધાઇ ૧૦ ગ્રામના રૂ. ૨૯,૪૬૫ની સપાટીએ પહોંચી ગયા છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીમાં ડિલિવરીના સોદા માટે વાયદામાં ૦.૨૬ ટકાનો સુધારો નોંધાઇ રૂ. ૨૯,૪૬૫ની સપાટીએ પહોંચી ગયા છે, જેના માટે ૩૭૬ લોટનો કારોબાર થયો હતો, જ્યારે એપ્રિલ ડિલિવરી માટે ૩૪ લોટનો કારોબાર થયો હતો, જેમાં ૦.૧૯ ટકાનો સુધારો નોંધાઇ સોનાના ભાવ વધીને રૂ. ૨૯,૪૩૦ની સપાટીએ જોવા મળ્યા છે, જ્યારે સિંગાપોરના વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૦.૫૪ ટકાનો વધારો નોંધાઇ ૧૩૨૯.૧૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે.

loading...

Leave A Reply

Your email address will not be published.