સોનામાં રૂ. ૭૦૦નો કડાકો

અમદાવાદ: સ્થાનિક બજારમાં નવી લેવાલીના અભાવે રૂ. ૭૦૦ કરતાં વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૨૯,૦૦૦ની નીચે ૨૮,૯૫૦ની સપાટીએ ખૂલ્યું હતું. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ સાડા તેર વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે અને તેના પગલે સોનામાં કડાકો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૦૦ ડોલરની સપાટી તોડી નીચે ૧૨૭૬ ડોલરની સપાટીએ નોંધાયું હતું. આમ, સોનામાં એક ટકા કરતાં વધુનો ઘટાડો જોવાતા સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં પણ સાધારણ મજબૂતાઇની ચાલ નોંધાઇ હતી અને તેના કારણે નવી લેવાલીના અભાવ વચ્ચે સોનામાં ૭૦૦ રૂપિયા કરતાં પણ વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલરની મજબૂતાઇ તથા સ્થાનિક બજારમાં ૮ નવેમ્બર બાદ ઊભી થયેલી ક્રાઇસિસના પગલે કાળાં નાણાં થકી જ્વેલરી બજારમાં જોવા મળી રહેલી ખરીદી તદ્દન અટકી જતાં જ્વેલરી બજાર ઉપર તેની અસર જોવા મળી હતી. બે દિવસમાં સોનામાં ૧૫૦૦ રૂપિયા કરતાં પણ વધુનો કડાકો જોવાઇ ચૂક્યો છે. તે જ પ્રમાણે સોના પાછળ ચાંદીમાં પણ રૂ. ૧૦૦૦થી પણ વધુનો ઘટાડો જોવાઇ ૪૦,૦૦૦ની સપાટી તોડી નીચે ૩૯,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૯ નવેમ્બર બાદ વૈશ્વિક બજારમાં સોનામાં ૧૬૦ ડોલરથી પણ વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જોકે સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળા માટે ઘટાડે રોકાણ ફાયદેમંદ પુરવાર થઇ શકે છે. ૨૦ જાન્યુઆરી બાદ રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પ શાસનમાં આવતાં મેટલ સેક્ટરમાં મજબૂત સુધારાની ચાલ જોવાઇ શકે તેવો મત નિષ્ણાયો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

કયાં કારણોથી સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો છે
• ૮ નવેમ્બર બાદ જ્વેલરી બજારે કાળાં નાણાં થકી જે ખરીદી થતી હતી તે ચળકાટ ગુમાવ્યો.
• હાલની ઊભી થયેલી પરિસ્થિતિ બાદ નવી ખરીદીથી લોકો અળગા જોવા મળી રહ્યા છે.
• વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતાઇના પગલે કીમતી ધાતુ તૂટી રહી છે.

home

You might also like