આતંકીઓના હમદર્દ પાકિસ્તાની શાહિદ આફ્રિદીને ગૌતમનો ‘ગંભીર’ જવાબ

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આિફ્રદીને તેના કાશ્મીરને લઈને આપવામાં આવેલા નિવેદનની મજાક ઉડાવી છે. ગંભીરે કાશ્મીરની સ્થિતિ અંગે આફ્રિદીની ટ્વિટના જવાબમાં આ વાત કહી છે. આફ્રિદીએ ટ્વિટ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના માર્યા જવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગંભીરે ટ્વિટ કર્યું કે, ”અમારી કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર અંગે કરવામાં આવેલી શાહિદ આફ્રિદીની ટ્વિટ પર રિએક્શન માટે મને મીડિયા તરફથી કૉલ આવ્યો હતો. આમાં શું કહેવા જેવું છે? આફ્રિદી માત્ર UN તરફ જોઈ રહ્યો છે, જેનો મતલબ તેની ડિક્શનરીમાં અન્ડર-૧૯ છે. મીડિયા આને હળવાશથી જ લે. આફ્રિદી નો બોલ પર આઉટ થવાનો જશ્ન મનાવી રહ્યો છે.”

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યએ ગત રવિવારે આતંક વિરોધી અભિયાન અંતર્ગત ૧૩ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ અંગે આફ્રિદીએ ટ્વીટ કરીને આ ઘટનાને કાશ્મીરને અશાંત કરનારી ગણાવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સામે સવાલ કર્યા હતા.

આફ્રિદીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ભારત અધિકૃત કાશ્મીરની સ્થિતિ અશાંતિ પેદા કરનારી અને ચિંતાજનક છે. અહીં આત્મનિર્ણય અને આઝાદીના અવાજને દબાવવા માટે દમનકારી શાસન દ્વારા નિર્દોષોને મારી નાખવામાં આવે છે. હું પરેશાન છું કે, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો ક્યાં છે? તેઓ આ લોહિયાળ જંગને રોકવા માટે કેમ કશું કરતા નથી?’

You might also like