ગણેશજીનું નામ કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે

દેવતાઓના મૂળ પ્રેરક ભગવાન ગણેશજી છે. ગણપતિ બધા જ દેવતાઓમાં અગ્રસ્થાને છે. ભગવાન ગણેશજીના નામ અને સ્વરૂપ અલગ અલગ છે, ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. શિવજી અને પાર્વતીના પુત્ર તેમજ રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિને ગણવામાં આવે છે. લાભ શુભ તેમના પુત્ર છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મસ્તક હાથીનું છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજીનું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
શ્રી ગજાનનનું હાથીનું મસ્‍તક વિશાળતા સુચવે છે. માનવે પણ તે જ રીતે તેના જીવનમાં સંકુચિતતાનો ભાવ છોડી વિશાળ દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુદ્ધિશાળી ગણાય છે. જો માનવ બુદ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્‍ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડાં જેવા હોય છે. અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દે છે અને કચરો ધૂળ વગરેને બહાર ફેંકી દે છે તે જ રીતે કાન ઉપર અથડાતા સત્‍ય-અસત્‍યની વાતોમાંથી સત્‍ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્‍તકની ઝીણી આંખો દ્વારા સમસ્‍ત સંસારને ખૂબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્‍મમાં સૂક્ષ્‍મ વસ્‍તુ પણ દૃષ્ટિમર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણું પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે.
ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુદ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિદ્ધિ સિદ્ધિના દેવ પણ કહ્યા છે.
તેમનાં પૂજનથી માનવને રિદ્ધિ સિદ્ધિ પણ સાંપડે
છે.•

You might also like