પ્રત્યેક પૂજનના આરંભે શ્રી ગણેશ પૂજન

આર્ય સંસ્કૃતિમાં ગણપતિ આદ્યદેવ તરીકે સ્થાન પામ્યા છે. મહેશ્વર ભગવાન શંકર એમના પિતા અને અન્નપૂર્ણા જગદંબા પાર્વતીજી એમનાં માતા છે. દેવોના સેનાની સ્કંદ કાર્તિકેય એમના ભાઇ છે. તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને લક્ષ લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યમાં થાય છે. અને વિધ્નહર વિનાયક સર્વ વિધ્નો હરી આરાધકની મનોકામના પૂર્ણ કરે છે. સિદ્ધિ વિનાયક ગણપતિજી સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતા દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ, ગંગાવતરણ વખતે ભગીરથે, રુકમિણીહરણ પૂર્વે ભગવાન કૃષ્ણે અને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણ પુત્ર સામ્બે ગણપતિનું પૂજન કર્યું હતું. અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી.
ચાર વેદોમાં અને અઢારેય પુરાણોમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રોમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે જ ગણપતિ પૂજનનો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનુ પ્રતિબિંબ પડ્યું. ભિન્ન ભિન્ન રૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં સમસ્ત વિશ્વમાં આ જ લભ્ય બની છે. ભારતમાં આ સેતુ હિમાલય સુધી ગણેશ પૂજા વ્યાપક છે. ગામે ગામ અને નગર નગર, અરણ્યો અને સરિતા અને સમુદ્ર તટો પર ગણપતિની મૂર્તિ પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે.
ગણપતિ વિશે ઋષિ મુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને આરાધનાની વિવિધ વિધિઓ દર્શાવી છે એમાં શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટો‌ત્તરશતનામ, સંકટ નાશનમ્ ગણેશ સ્તોત્ર, ગણેશ સહસ્ત્ર નામ આદિ સ્તોત્ર છે.
ગણેશ પૂજા પ્રત્યેક કાર્યને આરંભે થાય છે. ગણપતિ વ્રત કરવા વાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે. જે ચોથની નીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી.આ દિવસે વિધિયુક્ત ગણપતિનું પૂજન કરવું, તેમનાં નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો અને દૂર્વાથી ગણપતિનું પૂજન કરવું, ગણપતિનો અથર્વશીર્ષનો પાઠ કરવાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગણપતિજીની સુવર્ણની, ચાંદીની, ત્રાંબાની, પંચધાતુની કે માટીની મૂર્તિની પૂજા થાય છે. ભાગ્ય યોગે સફેદ આંકડાના ગણપતિ મળી જાય તો એમનું પૂજન સિદ્ધિપ્રદ મનાય છે. ગણેશજીને નૈવદ્યમાં આઠ લાડુ, ૧૦૦૮ લાડુ કે ફક્ત ર૮ લાડુ તલ મિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઇએ અને સુખ, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ગણપતિની સ્તુતિ કરવી જોઇએ.
ૐ ગં ગણપતયે નમઃ આ ગણપતિનો મુખ્ય મંત્ર છે. એ છ લાખ મંત્ર જપ કરવાથી મનુષ્ય અપરિમિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સંકટોનાં નિવારણ માટે મનુષ્ય સંકટ ચતુર્થીનું વ્રત પણ કરે શકે છે.
વિધ્નોનાં નિવારણ માટે અને સુખ શાંતિ માટે, સમૃદ્ધિ માટે નીચે આપેલું અનુષ્ઠાન કરવું. ભાદરવા સુદ ૪ થી ૧૪ સુધી (શ્રી ગણેશ ચતુર્થીથી શરૂ કરી અનંત ચૌદશ સુધી) આ વ્રત કરવુ. ભગવાન ગણપતિની મૂર્તિનું વિધિવત પૂજન કરી વ્રત કરવું.•

You might also like