Categories: Motivation

દોસ્તી અને વફાદારીઃ આપણે વિશ્વાસ ક્યાં મૂકવો…

  •  ભૂપત વડોદરિયા

ગમે તે કારણે હોય, પણ મનમાં એવો ખ્યાલ ઘર કરી ગયેલો છે કે વિદેશી ઓલાદનાં રૂપાળાં કુરકુરિયાં અને કૂતરાં નવશ્રીમંતોનું મોભાસૂચક પ્રતીક જ હોય છે. નવશ્રીમંતો પોતાના સામાજિક દરજ્જાની સાબિતીરૂપે આ વફાદાર જાનવરને પોતાના આંગણાનું ઘરેણું બનાવે છે. પછી તો સામાન્ય સ્થિતિના ઘણા માનવીઓને આવા શોખમાં રાચતા જોયા. કોઈને દેખાડવા માટે નહિ, પણ પોતાના એક સાથી તરીકે તેમનું લાલનપાલન કરતાં ઘણા માણસોને જોયા ત્યારે એમ થયું કે આ શ્રીમંતોનું તૂત નથી, માણસમાં પડેલી દોસ્તી માટેની, વફાદારી માટેની ભૂખને સંતોષનારી એક માનવીય જરૂરિયાત છે. પેલા અંગ્રેજ લેખકે કહ્યું છે તે આ બધા માણસોને કદાચ સાચું લાગતું હશે. ‘મોર આઇ સી ઑફ મેન, મોર આઇ લાઈક ડોગ્સ!’ જેમ જેમ માણસોને વધુ ને વધુ જોઉં છું તેમ તેમ શ્વાન વધુ ને વધુ ગમે છે!

નાનકડું બાળક માગે એવાં બધાં જ લાડકોડ સાથે આ શ્વાન ઘણાં ઘરમાં ઊછરતાં હોય છે. આવાં કૂતરાં ચોકીપહેરો કરે તે વાત ઠીક છે. એ વાત બહુ ગળે ઊતરે તેમ નથી, છતાં આવાં પાળેલાં કૂતરાં ગૃહજીવનની રોનકમાં કંઈક વધારો કરે છે. હમણાં આવા આવા થોડા શ્વાન-શોખીનો જોયા. એમને જોઈને થયું કે આ મૂંગાં પ્રાણીઓ કંઈ બોલ્યાં-કર્યાં વગર પણ ગૂઢ રીતે માણસને ઘણું બધું શીખવે છે. માણસમાં એ દયા-માયા પ્રેરે છે. સહિષ્ણુતા કેળવવામાં મદદરૂપ બને છે અને વફાદારીની કંઈક કિંમત પણ સમજાવે છે. જે ઘરમાં આવું સ્વચ્છ સંસ્કારી શ્વાન હોય તે ઘરનાં બાળકોને મજા આવી જાય છે. શિક્ષકો ના શીખવે એવું બધું તેમનો આ મૂંગો દોસ્ત તેમને શીખવે છે. કેટલાંક એવાં ઘર પણ જોયાં, જ્યાં રૂપાળાં શ્વાન લાડકોડ પામતાં હતાં અને બાળકોની ઉપેક્ષા થતી હતી. શ્વાન મુક્તપણે મહાલતાં હતાં અને બાળકો શિસ્તની આખરી એડી નીચે ચગદાતાં હતાં. પણ દરેક સારી બાબતને કંઈક ને કંઈક નડતર તો હોય જ છે.

એક મિત્ર પોતાની લ્યૂસીની કૂખે જન્મેલાં બે-ત્રણ કુરકુરિયાં કોઈક સારા ખાનદાનમાં મોકલવા ઉત્સુક હતા. માણસને કૂતરું પાળવાનો શોખ જાગે અને વિદેશી ઓલાદનું એકાદું કુરકુરિયું ઘરઆંગણે વસાવવા તે બસો-પાંચસો રૂપિયા જેવી તેની કિંમત અદા કરવા પણ તૈયાર થઈ જાય. પણ તમે સામે ચાલીને કોઈને કુરકુરિયું આપવા જાવ તો, સંભવ છે કે તમારે થોડીક આનાકાનીનો સામનો કરવો પડે. એક ભાઈએ કહ્યું, ‘અરે ભાઈ, શોખ તો ઘણો છે પણ પોતાનાં બાળકો પણ પૂરાં સાચવી શકતાં નથી, ત્યાં વળી આ ચોપગા માટે ઘરમાં જગા ક્યાંથી કરવી? બીજા કોઈએ કહ્યું કે – ‘આ ખર્ચાળ શોખ છે અને ખર્ચની વાત બાજુએ મૂકી દઈએ તોય તેની પળોજણ લાંબી પહોળી હોય છે!’

સાચી વાત છે. આજની દુનિયામાં એટલી દોડાદોડી ચાલે છે કે, ધંધા માટે કે આનંદ-પર્યટન માટે ઘરનો ઉંબરો દિવસો સુધી માણસને છોડી દેવો પડે છે. ઘણાં ઘરો એવી રીતે આખા દિવસમાં લાંબા કલાકો સુધી અને કેટલીક વાર તો દિવસો સુધી તાળાબંધ રહે છે. પણ આ મૂંગું શ્વાન તમને પાછા ફરવાની અને તાળું ખોલવાની ફરજ પાડે છે.

એક દોસ્તને કુંભમેળામાં જવું હતું. કુંભમેળામાં સહુકુટુંબ જવું એટલે ઘરને દશ-પંદર દિવસ માટે તાળું મારવું એવી વાત હતી. બીજી બધી ગોઠવણ કરી લીધી, પણ પ્યારા ડ્યુકનું શું? મિત્ર મૂંઝાયા. કોઈ ઓળખીતા-પાળખીતા થોડા દિવસ પોતાના ડ્યુકને દત્તક લે તેની તજવીજ કરી ચૂક્યા, પણ આખરે એમનું મન માન્યું નહિ અને ડ્યુકને ખાતર એમણે કુંભયાત્રા જ બંધ રાખી! રાત્રે મોડે સુધી મિત્રો સાથે ગપાટા મારનારા કે નાટક-સિનેમા જોવા ચાલ્યા જનારા ઘણા પુરુષોને પત્નીનો ઠપકો કે મેણું વહેલા પાછા ફરવાની ફરજ પાડતા નથી. છતાં કંઈ બોલ્યા વિના એક મૂંગું પ્રાણી તેને વહેલો વહેલો ઘેર બોલાવી લે તેવું બને છે ખરૂં.

પાળેલા કૂતરાને ખૂબ પ્યાર કરતા એક વડીલને જોયા. ઉંમરલાયક દીકરીઓ સાસરે ગઈ. કમાઉ દીકરો દેશાવર ગયો ત્યારે તેમને માટે આ વફાદાર દોસ્તી જીવનનો મુખ્ય રસ બની રહી. તેમણે વાતવાતમાં કહ્યું – ‘માણસનું કુટુંબજીવન આબાદ હોય કે વેરાન હોય, એણે આંગણે એક કૂતરું બાંધવું જોઈએ અને એ બની શકે તેમ ના હોય તો થોડાક ફૂલછોડ રાખવા જોઈએ. કંઈ ન બને તો એકાદ પંખી રાખો, માણસના જીવનમાં એટલી દોડધામ છે, એટલાં વેરઝેર છે, એટલો બધો કંકાસ છે, એટલી કર્કશતા છે કે ફૂલછોડની મીઠી વાસ, પોપટ અગર મેનાનો ટહુકો ને તુલસીનાં પાનની સુગંધ તેના ઉશ્કેરાયેલા જ્ઞાનતંતુઓને શાંત પાડવા માટે જરૃરી બની જાય છે. જીવનમાં સંઘર્ષ અને સ્પર્ધાના પ્રસંગો એટલા વધી પડ્યા છે કે એમાંથી પ્રગટતી ગ્લાનિ, કઠોરતા, રૂક્ષતાને મોળી પાડવા એકાદ ફૂલછોડ, એકાદ પંખી કે એકાદ શ્વાનની સોબત ઉપકારક થઈ પડે છે.’

વિચાર કરતાં એમની વાતમાં ઘણું તથ્ય લાગ્યું. રસોઈ કરનારી સ્ત્રીને કે ઘરના મુખ્ય પુરુષને રોજ ઘરના સભ્યો ઉપરાંત પાળેલા શ્વાનની રોટીનો પણ વિચાર કરવો પડે. ઘર માટે અનાજની છૂટક કે જથ્થાબંધ ખરીદી કરનાર ગૃહસ્થને પોતાના પોપટ કે મેનાની ચણનો પણ કાંઈક ખ્યાલ કરવો પડે અગર પાણી ભરનારીને પોતાના આંગણાના બે-ચાર ફૂલઝાડોના ક્યારા ભીના રાખવાની ખેવના કરવી પડે એ સ્થિતિ પોતે જ એક તાલીમ છે. અંધાધૂંધ સ્વાર્થની સતત વાગતી ખંજરી વચ્ચે કોઈ ત્રીજા જીવનનો વિચાર કરવાની પરોપકારી બંસરીનો આછો સૂર માણસના મનમાં સંભળાય છે. આધુનિક જીવનમાં સંકુચિત સ્વાર્થનું ભણતર અને ગણિત એટલાં વધી ગયાં છે કે માણસને થોડોક નિઃસ્વાર્થી બનવાની આવી પાતળી તાલીમ આ મૂંગાં પ્રાણી કે વનસ્પતિ આપી શકે છે. તમારા બાળકમાં કંઈક શિસ્ત કે આજ્ઞાંકિતતા સીંચવા માટે તમારા બૂમબરાડા એટલા કારગત નીવડતા નથી. પાળેલા શ્વાનનું વર્તન એના ઉપર ગજબની અસર કરે છે, આધુનિક જીવન એટલું ભારેખમ બની ગયું છે કે આપણાં બાળકો બિચારાં બાળસહજ રમતિયાળપણું પણ ભૂલી ગયાં છે. શ્વાનની રમત કે મસ્તી બાળકને એના બાળપણનો લહાવો લેતાં શિખવાડતાં હોય તો નવાઈ નહિ. માણસ કુદરતથી ઘણો દૂર નીકળી ગયો છે. એ કુદરતને સાવ ભૂલી ના બેસે અને માણસ મટીને છેક એક યાંત્રિક હસ્તી બની ના બેસે એ માટે આવા કોઈકની હાજરી આજે તો જરૂરી લાગે છે.

કોઈ કદાચ કહેશે કે માણસ બાળકને તેડી શકતો નથી, પણ કૂતરાને ખભા પર ચડાવે છે તે કંઈ સારી વાત છે? આ કઈ જાતનો ન્યાય? માણસનું આવું અવમૂલ્યન અને પ્રાણીની આવી પૂજા? આ ગાંડપણ નથી તો શું છે? સાચી વાત છે. ક્યાંય આવો અતિરેક કે વિચિત્રતા પણ જોવા મળતી હશે, પણ દરેક સારી બાબતમાં આવું ભયસ્થાન તો હોય છે એનો વિવેક પણ માણસે જ કરવો રહ્યો. એ કામ કંઈ પ્રાણી કે ફૂલછોડ કરી શકે તેમ નથી.
———————.

 

Maharshi Shukla

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

1 hour ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

1 hour ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

1 hour ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

2 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

2 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

2 hours ago