IPL T-20 મેચ પર સટ્ટો રમાડતા ચાર યુવકની ધરપકડ

અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ગુરુકુળ રોડ પર આવેલ કપડાંની દુકાનમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર ‌સટ્ટો રમાડતા ચાર શખસોની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે. દુકાનનો માલિક દુકાનની અંદર એક ઓફિસ બનાવી ચાર યુવકોને રાખી સટ્ટો રમાડતો હતો. પોલીસે વાહનો, ત્રણ લેપટોપ, ૮ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘાટલોડિયા પોલીસના પીએસઆઇ એમ.એન. પરમાર અને ટીમને માહિતી મળી હતી કે, મેમનગર ગુરુકુળ રોડ પર આવેલા શાંતિનિકેતન કોમ્પ્લેકસમાં વોન્ટેડ ફેશન હબ નામની કપડાંની દુકાનમાં આઇપીએલ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાઇ રહ્યો છે.

આ બાતમીના આધારે ગઇ કાલે સાંજે પોલીસે દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં દરોડો પાડતાં દુકાનની અંદર આવેલી નાની એક રૂમમાં ચાર ઇસમો રોયલ ચેલેન્જર બેંગલુરુ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટ સટ્ટાના ભાવ લઇ રહ્યા હતા.

પોલીસે દુકાનમાંથી ૮ મોબાઇલ ફોન, ત્રણ લેપટોપ, એલસીડી ટીવી, આઇ ટ્વેન્ટી કાર, એક્ટિવા અને બાઇક મળી રૂ.ર.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બેઠેલા ઇસમોની પૂછપરછ કરતા દુકાનનાં માલિક જિજ્ઞેશભાઇ ઉર્ફે જિગરભાઇ પટેલ (રહે. હનુમાનપરા, ઓગણજ ગામ) બોબડીલાઇનનું કાર્ડ મેળવી સટ્ટાના ભાવ કપાવી જુદા જુદા ગ્રાહકો પાસેથી સોદા કરતા હતા. પોલીસે નીતિન સરગરા (રહે. ભમ્મરિયા કૂવા, વાસણા) સ્વપ્નિલ પટેલ (રહે.વેદાંત શ્રીજી એન્કલેવ), કિશન મેણિયા (રહે.વિશ્વાસ ફલેટ, થલતેજ) અને કાંતિ પટેલ (રહે. શાશ્વત મહાદેવ હાઇટસ, વસ્ત્રાલ)ની ધરપકડ કરી જિજ્ઞેશની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like