પાઉડરની થેલીઓની અાડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોઃ રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: શામળાજી ચોકપોસ્ટ નજીકથી પોલીસે એક ટ્રક ઝડપી લઈ વિદેશી દારૂના જથ્થા સાથે અાશરે રૂપિયા ૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસને અગાઉથી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાત તરફ અાવી રહી છે. અા બાતમીના અાધારે પોલીસે શામળાજી હાઈવે પર વેણપુર ગામના પાટિયા પાસે નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં એક ટ્રક પસાર થતાં પોલીસે ટ્રકને રોકી તલાસી લેતા તેમાં સોફ્ટ સ્ટોન પાઉડરની થેલીઓ ભરેલી જોવા મળ્યું હતું. પરંતુ પોલીસને વધુ શંકા જતાં તમામ થેલીઓ ખોલીને તપાસ કરતાં થેલીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે એક શખસની ધરપકડ કરી જ્યારે એક શખસ નાસી છૂટ્યો હતો. વિદેશી દારૂની બોટલો ભરેલી પેટીઓ અને રોકડ રકમ, મોબાઈલ ફોન મળી અાશરે રૂપિયા ૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં અાવ્યો છે.

You might also like