નારણપુરામાં વરદાન ટાવરનો એરેરાટીભર્યો બનાવઃ કરિયાણાની દુકાનમાં લાગેલી અાગમાં પરિવારના ચારનાં મોત

અમદાવાદ: નારણપુરા વિસ્તારના વરદાન ટાવરની નીચે અાવેલી કરિયાણાની દુકાનમાં અાજે વહેલી સવારે અાગ લાગતાં એક જ પરિવારના ચાર લોકોનાં ગૂંગળાઈ જવાથી કરુણ મોત નીપજ્યાં છે. કરિયાણાની દુકાનની અંદર જ પરિવાર રહેતો હતો અને અાગ લાગતાં ધુમાડો વધુ પ્રમાણમાં થયો હતો.

શટર બંધ હોવાથી અાખો પરિવાર બહાર નીકળી શક્યો ન હતો અને અંદર જ ગૂંગળાઈ જવાના કારણે તેઅોનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અાગને કાબૂમાં લઈ ચારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેઅોને મૃત જાહેર કરવામાં અાવ્યા હતા.

અાગ કયા કારણસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. અા અંગેની વિગત અેવી છે કે નારણપુરા વિસ્તારમાં અાવેલા વરદાન ટાવરના બિલ્ડિંગની નીચે કેટલીક દુકાનો અાવેલી છે. જેમાં ક્ષેમકરી પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન પણ અાવેલી છે. અા દુકાનની અંદર જ એક રૂમ બનાવી ચૌધરી પરિવાર રહેતો હતો.

અાજે વહેલી સવારે કોઈ કારણસર દુકાનમાં અાગ લાગી હતી. અાગ લાગવાના કારણે મોટા પ્રમાણમાં દુકાનમાં ધુમાડો ફેલાયો હતો. દુકાનની અંદરથી ધુમાડો નીકળતાં અાસપાસના રહીશોઅે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરતાં અંદર ચાર વ્યક્તિઅો ફસાઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે દુકાનમાં લાગેલી અાગને કાબૂમાં લઈને દુકાનમાં ફસાયેલી ચાર વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે અસારવા સિવિલ, સોલા સિવિલ અને વીએસ હોસ્પિટલ મોકલી હતી, જ્યાં ચારેયનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં.

ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળ પર ઊમટી પડ્યાં હતાં. કરિયાણાની દુકાનની અંદર જ પાછળના ભાગે રૂમ બનાવી અા પરિવાર રહેતો હોઈ અવર જવર માટે એક માત્ર દુકાનના શટરનો જ ઉપયોગ કરાતો હતો. કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન દુકાનમાં હતું નહીં. શટર બંધ હોવાને કારણે અાગનો ધુમાડો અાખો દુકાનમાં ફેલાઈ ગયો હતો અને વેન્ટિલેશન સિસ્ટમ ન હોવાથી અંદર રહેલા તમામ લોકો ગૂંગળાઈ ગયા હતા.

અાગ લાગી ત્યારે બચવા માટે એક પણ કોઇ શટર ખોલવા સુધી પહોંચી શક્યું ન હતું. સ્થાનિક રહીશોઅે અાક્ષેપ કર્યો છે કે રહેણાક વિસ્તાર હોવા છતાં ટાવરની નીચે ગેરકાયદે અા દુકાનોનું બાંધકામ કરવામાં અાવ્યું છે. ફ્લેટમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ છે પરંતુ દુકાનોમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી રાખવામાં અાવી નથી. વારંવાર કોર્પોરેશનમાં અા દુકાનોના ગેરકાયદે બાંધકામ અંગે જાણ કરવામાં અાવી હતી પરંતુ તેઅો દ્વારા કોઈપણ પગલાં લેવામાં અાવ્યાં નહોતાં.

મૃતક પરિવાર છેલ્લાં ચાર પાંચ વર્ષથી અહીં દુકાન અને રહેઠાણ ધરાવતાે હતાે. પરિવારની બાળકી શાસ્ત્રીનગરમાં તેનાં ફોઈના ઘરે રહેતી હોવાથી તેનો અાબાદ બચાવ થયો હતો. ઘટના અંગે મેયરને જાણ થતાં તેઅો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી અાવ્યા હતા. નારણપુરાના ધારાસભ્ય અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ પણ ઘટના સ્થળે અાવ્યા હતા અને અાગની ઘટના અંગે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી.

વરદાન ટાવરમાં રહેતા રહીશોના જણાવ્યા મુજબ તેઅો મૃતક સુનીલ ચૌધરીની અા કરિયાણાની દુકાનમાં ખરીદી માટે અાવતાં હતા. દુકાન અને રહેઠાણ એક જ જગ્યાઅે હોવાની અનેક વખત રહીશોઅે પણ સુનીલ ચૌધરીને જણાવ્યું હતું કે દુકાનમાં જ ઘર બનાવી અને ન રહો.

માત્ર દુકાન જ અહીંયા રહેવા દો. વારંવાર રહીશોની સલાહ છતાં સુનીલ ચૌધરી માન્યા ન હતા અને તમારાથી થાય તે કરી લો તેમ જણાવતાં હતા. લોકોની સલાહને અવગણતાં અાજે ચૌધરી પરિવારને તેનું ખરાબ પરિણામ ભોગવવાનો વારો અાવ્યો છે.

મૃતકોનાં નામ
લીલાબહેન ચૌધરી (ઉ.વ. ૩૦)
સુનીલ ચૌધરી (ઉ.વ. ૩૫)
મોહન ચૌધરી (ઉ.વ.૩૦)
અર્જુન ચૌધરી (ઉ.વ. ૨)

મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર અોફિસર રાજેશ ભટ્ટનો સંપર્ક કરતાં તેઅો કહે છે કે અા દુકાનમાં પ્રાથમિક દૃષ્ટિઅે ગેસ લિકેજ અથવા શોર્ટ સર્કિટથી અાગ લાગી હોય તેવું લાગે છે. જો કે એફએસએલની ટીમ સમગ્ર ઘટનાની સાન્ટીફિક રીતે તપાસ કરી રહી હોય ત્યારબાદ અાગનું ખરું કારણ જાણવા મળશે.

You might also like