મગફળી ગોડાઉન બાદ રાજકોટના માર્કેટ યાર્ડમાં લાગી ભીષણ આગ

ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલ આગના અંગારા હજુ ઠર્યા પણ નથી ત્યાં તો આજ રોજ ફરીથી રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. યાર્ડમાં રાખેલા બારદાનમાં ભીષણ આગ લાગી હતી. સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં.

માર્કેટિં યાર્ડના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ રાજકોટ શહેરના ફાયરબ્રિગેડના ફાયર ફાઇટરો દોડી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ એટલી બધી ભીષણ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા.

ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો કરી આગ હોલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા ગુજકોટના પ્લેટફોર્મમાં લાગેલી આગ ભીષણ છે. જેમાં 15 લાખ ખાલી બારદાન હતા. એક બારદાનની કિંમત 80 થી 100 ગણીએ તો કુલ 15 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. જો કે આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

You might also like