Film Review: ‘કમાન્ડો-૨’

દેવેન ભોજાણી નિર્દેશિત ફિલ્મ ‘કમાન્ડો-૨’ના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે. ફિલ્મના લેખક રીતેશ શાહ છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અદા શર્મા, ફ્રેડી દારૂવાલા, ઠાકુર અનુપસિંહ, ઇશા ગુપ્તા, આદિ હુસેન, શેફાલી શાહ અને સુહેલ નૈયર જેવા કલાકારો છે. ફિલ્મ ‘કમાન્ડો-૨-ધ બ્લેક મની ટ્રેલ’ ૨૦૧૩માં આવેલી ‘કમાન્ડો-વન મેન આર્મી’ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં વિદ્યુત જામવાલ હીરો હતો, તેની સાથે નાયિકા પૂજા ચોપરા હતી. તે ફિલ્મના નિર્દેશક દિલીપ ઘોષ હતા, જ્યારે આ ફિલ્મના નિર્દેશક લોકપ્રિય અભિનેતા દેવેન ભોજાણી છે.
અભિનેતા વિદ્યુત જામવાલે હિન્દી ફિલ્મોમાં શરૂઆત ૨૦૧૧માં જોન અબ્રાહમની ફિલ્મ ‘ફોર્સ’થી કરી હતી. એ જ વર્ષે તેની તેલુગુ ભાષાની ફિલ્મ ‘શક્તિ’ પણ રિલીઝ થઇ હતી. હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરનાર વિદ્યુતે કેરળની લોકપ્રિય માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી છે. ચાર વર્ષ બાદ તેની ફિલ્મ ‘કમાન્ડો-૨-ધ બ્લેક મની ટ્રેલ’ આવી રહી છે.
આ ફિલ્મની કહાણી બ્લેક મનીની આસપાસ ફરે છે. કેપ્ટન કરણવીરસિંહ ડોગરા (વિદ્યુત જામવાલ) નાઇન પેરા ટ્રુપર્સમાં કમાન્ડો રહી ચૂક્યો છે. ત્યાંથી તેને કોર્ટ માર્શલ થઇ હતી. તે ખૂબ જ ખતરનાક છે. તે જ્યારે પોતાનું કામ કરે છે ત્યારે કોઇ પણ નિયમ, કાયદા-કાનૂનને માનતા નથી. વિકી ચઢ્ઢા (આદિલ હુસેન) ઇન્ડિયામાં કાળું નાણું લઇ જનારા લોકોનો સૌથી મોટો દલાલ છે, જે મલેશિયામાં પોતાની પત્ની મારિયા (ઇશા ગુપ્તા) સાથે રહે છે. વિકી અને તેની પત્નીની મલેશિયા પોલીસે ધરપકડ કરી છે. હવે તેને ભારત પરત લાવવા માટે ચાર લોકોની એક ટીમ મલેશિયા જાય છે, જેમાં એસીપી બખ્તાવર (ફ્રેડી દારૂવાલા) ટીમના પ્રમુખ છે. બખ્તાવર અંગે કહેવાય છે કે તે પોલીસમાં કામ કરે છે, પરંતુ રાજનેતાઓનો લાડકો છે. કેપ્ટન કરણવીરસિંહ ડોગરા પણ આ ટીમનો સભ્ય છે. ત્રીજી સભ્ય હૈદરાબાદની ભાવના પાંડે (અદા શર્મા) છે, જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે, પરંતુ થોડી પાગલ છે. તે યુવકોને ખરાબ રીતે મારે છે અને નાનકડી વાતમાં એન્કાઉન્ટર કરે છે. આ ટીમનો ચોથો સભ્ય છે જફર, જે સાયબર સેલનો સૌથી કાબેલ અધિકારી છે. કેપ્ટન કરણવીરસિંહ ડોગરાની નજરમાં બ્લેક મની પરત લાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ઈન્વેસ્ટિગેશન ડિવિઝનના ડાયરેક્ટર અભયા શર્મા (શેફાલી શાહ)એ જાણી જોઇને આવી ટીમ પસંદ કરી છે, કેમ કે તેના ઇરાદા સારા નથી. આવી ટીમ સાથે કેપ્ટન કરણવીરસિંહ ડોગરા કામ કરી શકે છે કે નહીં? શું થાય છે જ્યારે કેપ્ટનની શંકા સાચી પડે છે? •

You might also like