Fifa World Cup: ટ્યુનિશિયાએ ૨-૧થી પનામાને હરાવ્યું, જોકે બંને ટીમ બહાર

મોસ્કોઃ નોકઆઉટની રેસમાંથી બહાર થઈ ગયેલી પનામા અને ટ્યૂનિશિયા માટે આ પ્રતિષ્ઠાનો મુકાબલો હતો. ટ્યૂનિશિયાએ આનો ફાયદો ઉઠાવતાં ૪૦ વર્ષ બાદ વિશ્વકપમાં જીત હાંસલ કરી. ૧૯૭૮ બાદ અત્યાર સુધી વિશ્વકપમાં ટ્યૂનિશિયાએ કોઈ મુકાબલો જીત્યો નહોતો. ટ્યૂનિશિયાના મજબૂત ડિફેન્સ સામે પનામા ટકી શક્યું નહોતું. એક આત્મઘાતી ગોલ કરવા છતાં ૨-૧થી મુકાબલો ટ્યૂનિશિયાએ જીતી લીધો હતો. મેચની ૪૧મી મિનિટે ટ્યૂનિશિયા પાસે ગોલ કરવાની એક તક હતી.

પહેલા હાફની ૩૩મી મિનિટે જ ટ્યૂનિશિયાએ પોતે જ ભૂલ કરી. પનામાના જોસ રોડ્રિગુઝે બોક્સની બહારથી શોટ માર્યો. બોક્સની અંદર ઊભેલાે ટ્યૂનિશિયાનાે યાસિન મારિયા ડાબી બાજુ ઊભેલા મથલોથીને પાસ આપવા ઇચ્છતો હતો, પરંતુ તે ખોટો શોટ રમી બેઠો અને બોલ તેના ખુદના ગોલપોસ્ટની અંદર ચાલ્યો ગયો. આ સાથે જ પનામાએ ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી.

ટ્યૂનિશિયાએ બીજા હાફમાં જોરદાર આક્રમણ કર્યું. વાહબી ખાજરી જમણી તરફથી બોલ લઈને ગોલપોસ્ટની નજીક આવ્યો અને તેણે ફખરેદ્દીનને પાસ આપ્યો. ૫૧મી મિનિટે યુસુફે ખારી પાસેથી મળેલા પાસને ગોલમાં તબદિલ કરીને સ્કોર ૧-૧થી બરોબર કરી દીધો હતો.

૬૬મી મિનિટે ઓસામા હદીદીએ ગોલ પોસ્ટની ડાબી બાજુએથી ખાજરીને શાનદાર પાસ આપ્યો. ખાજરીએ જરા પણ વિલંબ કર્યા વિના બોલને ગોલપોસ્ટની અંદર પહોંચાડી દીધો હતો અને આ સાથે ટ્યૂનિશિયાએ મેચમાં ૨-૧ની સરસાઈ હાંસલ કરી લીધી હતી.

ઇન્જરી ટાઇમમાં ટ્યૂનિશિયાના ઘેલન ચાલેલીને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ થોડી વારે પનામાના લૂઇસ તેજાડાને મેચની અંતિમ પળોમાં યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું.

You might also like