World Cupનો મેજર અપસેટઃ સ્ટાર મેસીનો જાદુ ના ચાલ્યો

નિજની નોવગોરોડઃ ગઈ કાલે મોડી રાત્રે અહીં એક તરફ નાઇજિરિયા સામે ૨-૦થી હારી જનારી ક્રોએશિયાની ટીમ હતી તો બીજી તરફ આઇસલેન્ડ સામે ૧-૧થી ડ્રો રમનારી મેસીની આર્જેન્ટિનાની ટીમ હતી. સ્ટેડિયમમાં આર્જેન્ટિનાનો ભૂતપૂર્વ દિગ્ગજ ડિએગો મારાડોના હતો અને બધાની નજર મેસી પર હતી.

બધાને એવું લાગી રહ્યું હતું કે દુનિયાનો સૌથી મોટો ફૂટબોલ સ્ટાર આજે કંઈક કરશે, પરંતુ મેચ જ્યારે પૂરી થઈ ત્યારે ક્રોએશિયાના ખાતામાં ત્રણ ગોલ નોંધાયેલા હતા અને આર્જેન્ટિનાના ખાતામાં લાખો આંખોમાંથી વહી નીકળેલાં આંસુ હતાં.

આ મેચ જ્યારે પૂરી થઈ ત્યારે ૧૯૯૮માં માત્ર એક સેમિફાઇનલ સુધીની સફર ખેડનારી ક્રોએશિયાની ટીમે ફિફા વિશ્વકપના નોકઆઉટ સ્ટેજમાં સ્થાન પાકું કરી લીધું, જ્યારે બે વિશ્વકપ જીતનારી અને ગત વિશ્વકપમાં રનરઅપ રહેલી આર્જેન્ટિનાની ટીમ નોકઆઉટની દોટમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ છે.

શ્વાસ થંભાવી દેનારી મેચઃ
ગઈ કાલે મોડી રાતે રમાયેલી મેચમાં બધાનું ધ્યાન આર્જેન્ટિના અને મેસી પર હતું, પરંતુ જ્યારે ક્રોએશિયાના ખેલાડીઓએ રંગ દેખાડ્યો ત્યારે તેના પ્રશંસકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. ક્રોએશિયાના સ્ટ્રાઇકરો આર્જેન્ટિનાના ડિફેન્ડરોની પહેલાં વિપક્ષી ગોલપોસ્ટમાં પહોંચી રહ્યા હતા અને તેના ડિફેન્ડરો આર્જેન્ટિનાના સ્ટ્રાઇકરોની પહેલાં પોતાના ગોલપોસ્ટમાં કવચ બની જતા હતા.

એ જ કારણ હતું કે આર્જેન્ટિનાની ટીમ એક પણ ગોલ કરી શકી નહીં, જ્યારે ક્રોએશિયાએ એક પછી એક એમ કુલ ત્રણ ગોલ કરી નાખ્યા. પહેલા હાફમાં એક પણ ટીમ ગોલ કરી શકી નહોતી, પરંતુ બીજા હાફમાં દુનિયાની ૨૦મા નંબરની ટીમ ક્રોએશિયાના ત્રણ અલગ અલગ ખેલાડીઓએ પાંચમા નંબરની આર્જેન્ટિનાની ટીમ સામે ગોલ કર્યા. બીજો ગોલ ખાધા બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓ એટલા આક્રમક બની ગયા હતા કે વાત વાતમાં મેદાન પર લડાઈ થઈ રહી હતી અને રેફરીને યલો કાર્ડ દેખાડવાં પડ્યાં હતાં.

ક્રોએશિયાની શાનદાર રમતઃ
૫૩મી મિનિટે રેબિકે આર્જેન્ટિનાના ગોલકીપર કેબલેરોની લાપરવાહીનો ફાયદો ઉઠાવીને ગોલ કરી નાખ્યો અને ક્રોએશિયાને ૧-૦ની સરસાઈ અપાવી દીધી. રેબિકના એ શોટને ગોલકીપર કેબલેરો સમજી શક્યો નહીં અને બોલ તેના માથા પરથી પસાર થઈને ગોલપોસ્ટમાં પહોંચી ગયો.

૬૪મી મિનિટે આર્જેન્ટિના પાસે બરાબરી કરવાની તક હતી, પરંતુ તે તક ચુકાઈ ગઈ. મેસી ગોલપોસ્ટથી થોડાક જ ઇંચ દૂર હતો અને લાગી રહ્યું હતું કે તે સ્કોર બરોબરી પર લાવી દેશે, પરંતુ ક્રોએશિયન ગોલકીપર ડેનિયલ સુબાસિકે શાનદાર બચાવ કર્યો હતો.

૮૦મી મિનિટે ક્રોએશિયન ખેલાડી મેડ્રિકે ગોલ કરીને પોતાની ટીમની જીત લગભગ પાકી કરી નાખી. બે ગોલ બાદ આર્જેન્ટિનાની આખી ટીમ આક્રમક બનીને ક્રોએશિયન ગોલપોસ્ટ પાસે એકઠી થઈ ગઈ, જેનો ફાયદો ઉઠાવીને ક્રોએશિયાના ખેલાડી આર્જેન્ટિનાની ગોલપોસ્ટ પાસે આવી ગયા. એ સમયે ગોલપોસ્ટ પર ફક્ત ગોલકીપર અને એક ડિફેન્ડર હતો, જેને ચમકો આપીને ઇવાન રેકેટિકે ઇન્જરી ટાઇમમાં ત્રીજો ગોલ કરીને આર્જેન્ટિનાની આશાઓ તબાહ કરી નાખી હતી.

આર્જેન્ટિનાની કોશિશ બેકારઃ
આર્જેન્ટિના પાસે મેચની ૩૦મી મિનિટે ગોલ કરવાની શાનદાર તક હતી. એડુઆડ્રો સાલ્વિયોએ બોલ પર કબજો કર્યો અને પાછળની બાજુએ એન્જો પેરેજને બોલ પાસ કર્યો, જે બિલકુલ નેટ પાસે હતો અને એ સમયે નેટ લગભગ ખાલી હતી. પેરેજે શોટ લગાવ્યો, પરંતુ બોલ ગોલપોસ્ટની બહારથી નીકળી ગયો.

૩૬મી મિનિટે બંને ટીમના ખેલાડી બોલ પોતાના કબજામાં લેવાની કોશિશમાં હતા ત્યારે રેબિકનો ઘૂંટણ આર્જેન્ટિનાના ગેબ્રિયલ માર્સેડોની છાતી પર વાગ્યો, જેના કારણે તે ઈજાગ્રસ્ત થઈ ગયો. પહેલા હાફમાં આર્જેન્ટિનાના સ્ટાર મેસીનો જાદુ જોવા મળ્યો નહોતો અને એ દરમિયાન કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી.

You might also like