FIFA દર બે વર્ષે મિની વિશ્વકપનું આયોજન કરવાની તૈયારીમાં

જ્યુરિચઃ ફિફા અધ્યક્ષ ગિયાની ઇન્ફેટિનોએ પરંપરાગત વિશ્વકપ ઉપરાંત દર બે વર્ષે મિની વિશ્વકપ યોજવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં આઠ આંતરરાષ્ટ્રીય ટીમ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટને ‘ફાઇનલ-8’ નામ અપાશે, જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને સુધારવા માટેની એક મહત્ત્વપૂર્ણ યોજનાનો હિસ્સો છે. ફિફાનું માનવું છે કે ૧૨ વર્ષના સમયગાળાની આ ટૂર્નામેન્ટ પાછળ ૨૫ અબજ ડોલર (લગભગ ૧૬૬૭ કરોડ રૂપિયા)નો ખર્ચ થવાનો અંદાજ છે.

ઇન્ફેટિનોએ સૂચન કર્યું છે કે નવી ટૂર્નામેન્ટ ૨૦૨૧થી પ્રત્યેક વર્ષના ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે. તેમણે કહ્યું કે ઇન્વેસ્ટર્સનું એક મજબૂત ગ્રૂપ ટૂર્નામેન્ટ પર ૨૫ અબજ ડોલર અને ક્લબ વિશ્વકપની એક નવી સિઝન પર ખર્ચ કરવા ઇચ્છુક હતું, જે ૨૦૨૧માં ૨૪ ટીમ સાથે શરૂ થશે. અહેવાલો અનુસાર કન્ફેડરેશન્સ કપને બંધ કરી દેવામાં આવશે, જે વર્તમાન સમયમાં વિશ્વકપના એક વર્ષ પહેલાં દર ચાર વર્ષે યોજાય છે.

જોકે હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કયા ક્ષેત્રને કેટલા સ્લોટ ફાળવવામાં આવશે. યોજનાઓ ઇન્ફેટિનો દ્વારા ફિફાની નિર્ણય લેતી પરિષદના સભ્યોને મોકલવામાં આવી હતી, જેમની મંજૂરી હજુ મળવાની બાકી છે. યુએફા અને ઉત્તર-મધ્ય અમેરિકા તેમજ કેરેબિયનો સાથે CONCACAFએ પોતાના મહાદ્વીપમાં રાષ્ટ્રીય લીગ સ્પર્ધાઓને અગાઉથી જ સ્થાપિત કરી દીધી છે. બંને મામલામાં-ટૂર્નામેન્ટોમાં બધી રાષ્ટ્રીય ટીમોને તેમનાં સંબંધિત ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવે છે, જે પોતાની રેન્કિંગના આધારે ડિવિઝનમાં વિભાજિત થાય છે.

You might also like