Ahmedabad: નવરંગપુરા વિસ્તારમાં કોમ્પ્લેકસના ત્રીજા માળે ભીષણ આગ

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં આવેલા વિવા-૩ કોમ્પ્લેકસના ત્રીજા માળે આજે સવારે એકાએક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતાં નવરંપુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાંચ ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામેની બાજુ આવેલા વિવા-૩ કોમ્પ્લેકસના ત્રીજા માળે ડેટા એન્ટ્રીની ઓફિસમાં કેબલમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી.

જોત જોતામાં આગ વિકરાળ બની ગઇ હતી. આખી ઓફિસમાં આગ પ્રસરી ગઇ હતી. રોડ પરથી પસાર થતાં સ્થાનિકોએ કોમ્પ્લેકસમાં આગ જોતાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. નવરંગપુરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પાંચ ફાયર ફાઇટરની મદદથી દસથી વધુ ફાયરના જવાનોએ બહારથી અને અંદરથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કોમ્પ્લેકસમાં બીજા માળે જવાનો રસ્તો સાંકડો હોવાથી ફાયરની ટીમને આગ બુઝાવવામાં થોડી તકલીફ થઇ હતી. આગ વધુ ન પ્રસરે તે માટે આખું કોમ્પ્લેકસ ખાલી કરાવાયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

સવારના ઓફિસ સમય દરમ્યાન કોઇ વ્યક્તિ ઓફિસમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઇ હતી. આગની ઘટનાના પગલે લોકોનાં ટોળે ટોળાં ઘટના સ્થળે એકત્ર થયાં હતાં. નવરંગપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોમ્પ્લેકસમાં ફાયર સેફટી હતી કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાઇ છે.

You might also like