જમાઇ બન્યો જમઃ છરીના ઘા ઝીંકી સસરાની હત્યા

અમદાવાદ, ગુરુવાર
કચ્છના રાપર નજીક આવેલા એક ગામમાં જમાઇએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સસરાની હત્યા કરતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે રાપર નજીક આવેલા પદમપર ગામની સીમમાંથી ગઇ કાલે સવારે વેલજીભાઇ રણછોડભાઇ પટેલ નામના ખેડૂતની કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરતાં મૃતક ખેડૂત અને તેના જમાઇ હિતેશ વચ્ચે મનદુઃખ ચાલતું હતું.

વેલજીભાઇની પુત્રી કાંતાનાં લગ્ન હિતેશ સાથે પાંચ વર્ષ અગાઉ થયાં હતાં, પરંતુ પતિ-પત્ની વચ્ચે મેળ ન હોવાથી કંટાળી જઇ કાંતા છેલ્લાં બે વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી અને કાંતાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. જેના અનુસંધાનમાં આ હત્યાની ઘટના ઘટી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

You might also like