‘Excuse me’ કહી દારૂડિયો યુવાન મહિલાના હાથમાંથી પોપકોર્ન ખાઈ ગયો

 અમદાવાદ: જો તમે મોલમાં મોડી રાતે ફિલ્મ જોવા માટે જાઓ છો સાવધાન રહેજો કારણ કે હવે થિયેટરમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. કેટલાંક અસામાજિક તત્ત્વો દારૂ પીધેલી હાલતમાં ચાલુ ફિલ્મ અને ઈન્ટરવલ દરમ્યાન મહિલાઓની છેડતી કરતા હોવાનું સામે આવ્યું છે.

ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા હિમાલયા મોલના કાર્નિવલ સિનેમામાં પરિવાર સાથે ફિલ્મ જોવા આવેલી મહિલા સાથે દારૂ પીધેલી હાલતમાં ફિલ્મ જોવા આવેલા યુવકોએ ઈન્ટરવલ દરમ્યાન અને ચાલુ ફિલ્મે છેડતી કરી હતી. ત્રણેય યુવક દારૂ પીધેલી હાલતમાં હોઈ મહિલાના પતિએ તાતકાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આ અંગે જાણ કરી હતી જેથી વસ્ત્રાપુર પોલીસ સિનેમાઘરમાં પહોંચી ગઈ હતી અને ત્રણેય યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દારૂ પીધેલી હાલતમાં ફિલ્મ જોવા જનારા લોકો થઈ જજો સાવધાન કારણ કે તમે દારૂ પીધેલી હાલતમાં હોવા અંગે કોઈને જાણ થાય તો જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. મૂળ તેલંગાણાના સિકંદરાબાદના વેપારી પોતાના પરિવાર સાથે ગઈ કાલે હિમાલયા મોલના કાર્નિવલ સિનેમામાં રાતના છેલ્લા શોમાં કાલા ફિલ્મ જોવા આવ્યા હતા.

ફિલ્મના ઈન્ટરવલ દરમ્યાન વેપારીના પત્ની પોપકોર્ન લેવા માટે બહાર નીકળ્યાં હતાં. પોપકોર્ન લઈને બહાર નીકળતાં હતાં ત્યારે ત્રણ યુવક તેમની પાસે આવ્યા હતા. તેમાંથી એક યુવકે ‘એક્સક્યૂઝ મી’ કહી અને તેમનાં પોપકૉર્નના પેકમાંથી એક પોપકોર્ન લઈ લીધું હતું. આ રીતે છેડતી થતાં તેઓ કોઈ ઝઘડામાં પડવાની જગ્યાએ પરત પોતાની સીટ પાસે જતાં રહ્યાં હતાં.

ઈન્ટરવલ બાદ ફિલ્મમાં ત્રણેય યુવક આગળ બેઠેલાં વેપારીનાં પત્નીને પાછળથી પગ મારતા હતા. બે ત્રણ વાર પગ અડી જતાં તેઓને ભૂલથી થયું એવું લાગ્યું હતું પરંતુ વધારે પડતા પગ અડાડતાં વેપારીનાં પત્ની ગુસ્સે થઇ ગયાં હતાં અને ‘કેમ પગ અડાડે છે તને ભાન નથી પડતું તેમ કહ્યું હતું’ આટલું કહેતાં ત્રણેય યુવક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

હોબાળો થતાં લોકો પણ ભેગા થઇ ગયા હતા. હોબાળાને પગલે ફિલ્મ બંધ કરવી પડી હતી. બોલાચાલી દરમ્યાન ત્રણેય યુવકો ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હોવાનું વેપારીના ધ્યાને આવ્યું હતું કે જેથી તેઓએ તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક કાર્નિવલ સિનેમા ખાતે પહોંચી ગઈ હતી. પોલીસે દારૂ પીધેલા વિશાલ બારોટ (ઉ.વ. ૩૩, રહે. ગોકુલધામ રેસિડેન્સી, ગોતા), મહેશ પૂરબિયા (ઉ.વ. ૩૧, રહે. શિવાલય એપાર્ટમેન્ટ,ધાટલોડિયા) અને હિંમત મોઢેરા (ઉ.વ. ૩૭, રહે.ગાયત્રીનગર,સરખેજ)ની ધરપકડ કરી હતી. દારૂ પીધેલી હાલતમાં મહિલા સાથે છેડતીની ઘટના બનતાં અમદાવાદમાં મોડી રાતે પરિવાર સાથે હોવા છતાં મહિલાઓ અસુરક્ષિત છે.

You might also like