EWS, LIG અને MIG મકાનોમાં ગેરકાયદે દબાણો સામે પગલાં લેવાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈડબલ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી શ્રેણીના આવાસ બંધાઈ રહ્યા છે, જોકે આ આવાસોમાં એક અથવા બીજા પ્રકારના ગેરકાયદે દબાણની ફરિયાદ ઊઠતાં શાસકોએ આવા દબાણકર્તાઓ સામે કડક પગલાં લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

અત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ શ્રેણી હેઠળ પૂર્વ ઝોનના રખિયાલમાં ૨૮૮, વસ્ત્રાલમાં ૮૭૬, નિકોલમાં ૧૦૨૦, મધ્ય ઝોનના અસારવામાં ૨૮૨, પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં ૪૪૦, વાડજમાં ૫૫૦, થલતેજમાં ૧૯૨, ચાંદલોડિયામાં ૫૨૮ અને વેજલપુરમાં ૬૨૪ સહિત કુલ ૫૧૫૮ આવાસનો કબજો જે તે લાભાર્થીને સોંપાઈ ગયો છે.

જ્યારે એલઆઈજી શ્રેણી અંતર્ગત પૂર્વ ઝોનના નિકોલમાં ૧૨૦૦, પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં ૧૦૦૦, નવા પશ્ચિમ ઝોનના થલતેજમાં ૫૦૦ સહિત કુલ ૪૯૮૫ આવાસનો પણ જે તે લાભાર્થીને કબજો સોંપાઈ ગયો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ શ્રેણીના બીજા તબક્કા હેઠળ કુલ ૪૨૯૩ આવાસમાં બાંધકામની કામગીરી ચાલુ છે. ઈડબલ્યુએસના બીજા તબક્કામાં કુલ ૩૭૧૦ આવાસમાં પણ નિર્માણકાર્ય જોશભેર ચાલી રહ્યું છે અને ચોથા તબક્કામાં કુલ ૬૩૪૯ આવાસના બાંધકામ માટેના વર્કઓર્ડર અપાઈ ગયા છે. રાજીવ આવાસ યોજનાના કુલ ૨૫૨૮ આવાસ પણ નિર્માણ હેઠળ છે.

હાલની સ્થિતિએ કબજો અપાયેલા ૧૦,૧૪૩ આવાસ સહિતના કુલ ૪૫,૮૮૨ આવાસ નિર્માણના વિવિધ તબક્કે છે, જે પૈકી કેટલાક આવાસમાં લેભાગુ તત્ત્વો ગેરકાયદે રીતે ઘૂસી જવાની ફરિયાદ ઊઠતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા આ મામલે કડક પગલાં લેવા તંત્રને આદેશ અપાયો છે. આ અંગે એસ્ટેટ કમિટીના ચેરમેન બિપિન પટેલ કહે છે, ઘણા કિસ્સામાં મૂળ લાભાર્થીના બદલે અન્ય વ્યક્તિ વસવાટ કરતા હોઈ તે બાબતનો પણ સર્વે કરાશે.

You might also like