EWS આવાસો બનાવવાના કામમાં ભાજપ અને કોન્ટ્રાક્ટરનું ગઠબંધન

અમદાવાદ: મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૫૮૨ ઇડબલ્યુએસ આવાસો બનાવવાના કામ પૈકી પેકેજ-૪માં કુલ ૯૧૦ આવાસો બનાવવાના કામના પ્લોટો પૈકી વાડજ ટી.પી. ૨૮માં કુલ ૧૯૦ આવાસો બનાવવાના પ્લોટનું પઝેશન ન મળવાના કારણે ફાળવેલ વાડજ ટી.પી. ૨૮ ફા. પ્લોટના ફેરફારને લીધે ૮૪ આવાસો વધુ બનતા હોવાથી મેળવેલ વહીવટી મંજૂર અનુસાર મૂળ ૧૯૦ આવાસોના બદલે ૨૭૪ આવાસો બનાવેલ હોવાથી તેમજ આ વધારાની કામગીરી ચાલુ કામના કોન્ટ્રાક્ટર પાસે કરાવેલી.

આ કામગીરી રૂ. ૧૭૭૯૦ પ્રતિ ચો.મી.ના ભાવે મૂળ કુલ ૨૬૩૯૮.૫૭ ચો.મી. કાર્પેટ એરિયાનું ટેન્ડર મંજૂર થયેલ છે. તેમાં કુલ ૨૪૦૦ ચો.મી.નો વધારો થતાં કુલ ૨૮૭૯૮ ચો.મી. કાર્પેટ એરિયાની તેમજ મૂળ ટેન્ડરની રકમ રૂ. ૪૬.૯૬ કરોડમાં રૂ. ૪.૨૬ કરોડનો વધારો ચૂકવવાનો થાય છે. આ દરખાસ્ત અંગે મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા જણાવે છે કે ભાજપ અને કોન્ટ્રાક્ટરના ગઠબંધનના કારણે મ્યુનિ. તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. આ વધારાની રકમ ચુકવતા અગાઉ વધારાના કામ માટે રી-ટેન્ડર કરવું જોઇએ.

નવાઇજનક બાબત તો એ છે કે તંત્ર દ્વારા વધારાનું કામ પૂર્ણ થયા પછી સ્ટે. કમિટીની મંજૂરી લેવા માટે આવેલ છે તો પછી રૂ. ૪.૨૬ કરોડ જેટલી માતબર રકમનું કામ કોન્ટ્રાક્ટરે વગર મંજૂરીએ કેમ કર્યું ? તે વિચાર માંગી લે તેવી બાબત છે. કોની કૃપાથી ? કોના વિશ્વાસે કામ કર્યું ? આ પ્રકારના કામોમાં સત્તાધારી પક્ષના છુપા આશીર્વાદ પણ સામેલ હોય છે. પ્રોજેક્ટના કામો કરોડો રૂ.ના હોય છે ત્યારે આવા કામોમાં ગેરરીતિ થયેલી છે તે સ્પષ્ટ જણાઇ આવે છે.

કામનો અંદાજ અને ટેન્ડર બંને શંકાસ્પદ બની જવા પામે છે જેની વિવિધ કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની સાંઠગાંઠ હોઇ તે સ્પષ્ટ થવા પામે છે માટે તેની તપાસ કરવી જોઇએ. આવાસ યોજનાના કામોમાં પારદર્શક ભ્રષ્ટાચાર છે તેમાં પ્રજાનો નહિ માત્ર કોન્ટ્રાક્ટરોના હિતને ધ્યાનમાં રાખી ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ જ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ સમયમર્યાદામાં આવાસોના કામો પૂરા કરવાની ક્ષમતા નથી તેવું સ્પષ્ટ થયેલ છે જેથી મ્યુ. કમિશ્રીએ કોન્ટ્રાક્ટરને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની ભલામણ કરેલ હતી.

You might also like