EWSના અરજદારોને રિફંડના ચેક લેવા મ્યુનિ. કચેરીના ધક્કા ખાવા પડશે

અમદાવાદ: અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટ અમલમાં મુકાયા છે. નાગરિકોને સ્માર્ટ સુવિધા ઘેર બેઠાં આંગળીના ટેરવે આપવા વિવિધ મોબાઇલ એપની જાહેરાતો થઇ રહી છે. પરંતુ ત્રીજા તબક્કાના EWS મકાનોનાં જેમને ડ્રોમાં નંબર નહીં લાગ્યો હોય તેવા અરજદારોને રિફંડનો ચેક લેવા ધક્કા ખાવા પડશે. આને જોતાં તંત્ર સ્માર્ટ સિટીની ફક્ત વાતો કરતું હોય તેવું લાગે છે.
ગયા જાન્યુઆરી ર૦૧૬માં કોર્પોરેશન દ્વારા વિવિધ સ્થળોએ બનાવાયેલાં ૩૭૦૦ EWS મકાનનો ડ્રો કરાયો હતો. આ મકાનો માટે શહેરમાંથી આશરે ૮૧,૦૦૦ અરજદારોએ અરજી કરી હતી. ડ્રો બાદ જે તે અરજદારોને મકાન ન ફાળવાયું હોય તેવા કિસ્સામાં રૂ.૭પ૦૦નો રિફંડ ચેક આપવાનો થતો હતો.

કોર્પોરેશને ઇસીએસ પદ્ધતિથી જે તે અરજદારના ખાતામાં રિફંડ જમા કરાવી દેવાની જાહેરાત કરી હતી. આ માટે અરજદારો પાસેથી ઇસીએસની વિગતો પણ મગાવી હતી પરંતુ લગભગ ૩,૦૦૦ અરજદારોનાં બેન્ક ખાતામાં રિફંડ જમા થયું નથી. આજથી તા.ર૮મી સુધી આ અરજદારોને પોતાના રિફંડનો ચેક લેવા પૂરતા પુરાવા લઇને જે તે ઝોનલ ઓફિસમાં જવું પડશે. જેના કારણે વિવાદ સર્જાયો છે.
http://sambhaavnews.com/

You might also like