EURO CUP: કાલે ફાઇનલમાં ‘7’ની ટક્કર ‘7’ સામે થશે

નવી દિલ્હીઃ ફ્રાંસના માર્સેલમાં યુરો કપ-૨૦૧૬ની બીજી સેમિફાઇનલ મેચ રમાઈ હતી. એ મુકાબલામાં યજમાન ફ્રાંસે વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને ૨-૦થી હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો પોર્ટુગલની ટીમ સામે આવતી કાલે મોડી રાત્રે થવાનો છે. ભલે આ મુકાબલો હોય કે પહેલી સેમિફાઇનલ હોય, દરેક જગ્યાએ એક એવો આંકડો છે, જે ધમાલ મચાવી રહ્યો છે.

પહેલી સેમિફાઇનલમાં ‘7’ની ધમાલ
અહીં વાત થઈ રહી છે નંબર ‘7’ની. યુરો કપની પહેલી સેમિફાઇનલમાં પોર્ટુગલે વેલ્સને હરાવીને જીત હાંસલ કરી હતી અને એ મેચમાં સ્ટાર બન્યો હતો પોર્ટુગલનો કેપ્ટન રોનાલ્ડો, જેની જર્સીનો નંબર ‘7’ છે. એ રોનાલ્ડોનો જ ગોલ હતો, જેના દમ પર પોર્ટુગલે મહત્ત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરી હતી અને બાદમાં ૨-૦થી મુકાબલો જીતીને ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી.

બીજી સેમિફાઇલમાં પણ ચોતરફ ‘7’ જ ‘7’
બીજી સેમિફાઇનલમાં તો આ નંબરે આશ્ચર્ય જ સર્જી દીધું. બીજી મેચ 7મા મહિના (જુલાઈ)ની 7 તારીખે રમાઈ. સમગ્ર મેચમાં સૌથી વધુ સમય સુધી બોલ જર્મનીની ટીમ પાસે રહ્યો, સૌથી વધુ હુમલા પણ તેણે જ કર્યા, સૌથી વધુ સ્ટાર ખેલાડી પણ તેઓ પાસે જ હતા, પરંતુ જીત મળી ફ્રાંસને. આની પાછળનું કારણ બન્યો જર્સી નંબર ‘7’ પહેરેલો ખેલાડી એન્ટોઇન ગ્રિઝમેન. મેચમાં બંને ગોલ ગ્રિઝમેને જ કર્યા અને તે સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે.

ફાઇનલમાં ‘7’ નંબર સામસામે ટકરાશે
ફાઇનલમાં એક તરફ હશે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છ ગોલ કરનારો ગ્રિઝમેન અને બીજી તરફ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ ગોલ કરી ચૂકેલો પોર્ટુગલનો સ્ટાર કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. બંનેની જર્સીનો નંબર ‘7’ છે. રોનાલ્ડો વધુ એક ગોલ કરશે એટલે ફ્રાંસના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લાટિનીના યુરો કપમાં સૌથી વધુ નવ ગોલ કરવાનો રેકોર્ડ તોડી નાખશે, જ્યારે ગ્રિઝમેન હેટ્રિક કરવામાં સફળ રહેશે તો તે પ્લાટિની અને રોનાલ્ડોની બરાબરી કરી શકે છે. હવે એ જોવું બહુ દિલચસ્પ બની રહેશે કે આવતી કાલે ભારતીય સમય અનુસાર મોડી રાત્રે રમાનારી ફાઇનલમાં આ ‘7’ નંબર કેવો ચમત્કાર સર્જી શકે છે.

You might also like