EPFOમાં હવે રૂ. ૧૦ લાખ સુધીના ઓફલાઈન ક્લેમ પણ સ્વીકારાશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ એવો નિર્ણય કર્યો છે કે હવે રૂ. ૧૦ લાખ સુધીના દાવા ઓફલાઈન ફિઝિકલ ફોર્મના માધ્યમ દ્વારા પણ સ્વીકારવામાં આવશે. પોતાના જૂના સર્ક્યુલરમાં ઈપીએફઓએ કાર્યાલયને એવા નિર્દેશ આપ્યા હતા કે તેઓ રૂ. ૧૦ લાખ સુધીના ક્લેમ ઓનલાઈન જ સ્વીકારશે.

ઈપીએફઓએ હવે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના સર્ક્યુલરમાં પીએફ એન્ડ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે સુધારા કર્યા છે. સર્ક્યુલર અનુસાર તમામ રૂ. ૧૦ લાખથી ઉપરના દાવા હવે ઓફલાઈન મીડિયા દ્વારા જમા ફોર્મ મારફતે સ્વીકારવામાં આવશે. આ બાબત રૂ. પાંચ લાખથી ઉપરના ઈપીએસ વિડ્રોઅલ સેટલમેન્ટને પણ લાગુ પડશે.

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે વિદેશી કર્મચારીઓ, જેમાં સભ્યો અને દાવેદાર પણ સામેલ હતા. તેમણે પોતાના દાવા ઓનલાઈન સબમીટ કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી હતી. સભ્યોની આ ફરિયાદ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ઓફલાઈન દાવાનો પણ સ્વીકાર કરવામાં આવશે. આ જાણકારી ઈપીએફઓએ પોતાના સર્ક્યુલરમાં આપી છે.

આ નિર્ણય સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (સીપીએફસી)ના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મેમ્બર્સ તરફથી ક્લેમ સબમીટ કરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ તરીકે લેવામાં આવ્યો છે. ઈપીએફઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના જૂના સર્ક્યુલરમાં એવો નિર્દેશ આપ્યો હતો કે નિર્ધારિત મર્યાદાથી ઉપરના દાવા ફિઝિકલ ફોર્મમાં સ્વીકારવામાં આવશે નહીં.

ઈપીએફઓએ પોતાના ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના સર્ક્યુલરમાં ફિલ્ડ ઓફિસીસને એવો નિર્દેશ આપ્યો હતો કે એવા ક્લેમફોર્મ એમ્પ્લોયર્સ પાસે આગળના ઓથોન્ટિકેશન પ્રક્રિયા માટે મોકલવામાં આવે, જે દાવા ઓનલાઈન કરવામાં આવ્યા છે. આ પગલું છેતરપિંડી નિવારવા અને સુરક્ષાને વધારવા માટે લેવામાં આવ્યું છે.

You might also like