EDની તપાસઃ એરએશિયાનાં નાણાં આતંકીઓ સુધી પહોંચ્યાં?

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) મલેશિયન કંપની એરએશિયા અને ટાટા સન્સની જોઈન્ટ વેન્ચરવાળી કંપની એરએશિયા ઈન્ડિયા સાથે સંકળાયેલા જાલી ટ્રાન્ઝેકશન મામલામાં એ દૃષ્ટિએ તપાસ કરી રહ્યું છે કે કન્સલ્ટન્ટને આપવામાં આવેલી રકમથી આતંકવાદીઓને ફંડિંગ થયું છે. આ પાસાની તપાસનું મુખ્ય કારણ એ છે કે બીજી કંપનીમાં કામ કરતા કન્સલ્ટન્ટના એક પાર્ટનરને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા છે. આ ઉપરાંત ઈડી આ મામલામાં બે પાસાઓની તપાસ કરી રહી છે. એક તો કન્સલ્ટન્ટને ફી આપવામાં આવી હતી કે આ રકમ સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે આપવામાં આવી હતી અને બીજું આ ટ્રાન્ઝેક્શનમાં એફડીઆઈના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ?

વાસ્તવમાં ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે એરલાઈન્સે ભારત અને સિંગાપોરમાં ઓન પેપર કંપનીઓ દ્વારા લેવડદેવડ કરી હતી. ઈડીએ ફેમા હેઠળ નોંધાયેલા કેસમાં તપાસ અંગે એર એશિયાના એક્ઝિક્યુટિવ્સ અને અન્ય કેટલાકને આગામી સપ્તાહે જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા અને આ મામલામાં વધુ માહિતી આપવા સમન્સ બજાવ્યા છે.

આ મામલામાં રૂ. ૨૨ કરોડના ટ્રાન્ઝેકશનમાં સિંગાપોરની એક કંપનીને આપવામાં આવેલ રૂ. ૧૨ કરોડની પણ તપાસ થશે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અગાઉ આ સંદર્ભમાં એક ઈન હાઉસ ફોરેન્સિક તપાસમાં દસ્તાવેજો અને નિષ્કર્ષને જોવામાં આવશે. મિસ્ત્રીએ ઓક્ટોબરમાં એવો દાવો કર્યો હતો કે એરએશિયાની સાથે ટાટા ગ્રૂપના જોઈન્ટ વેન્ચરમાં કોર્પોરેટ ગવર્નર સાથે થયેલી ગરબડો બહાર આવી છે. તેમનું કહેવું હતું કે ફોરેન્સિક તપાસમાં ભારત અને સિંગાપોરમાં અસ્તિત્વ નહીં ધરાવતી કંપનીઓ સાથે સંકળાયેલા રૂ. ૨૨ કરોડના જાલી ટ્રાન્ઝેકશનનો પર્દાફાશ થયો હતો.
http://sambhaavnews.com/

You might also like