રોજ નારંગી ખાવાથી અંધાપા દૂર થઈ શકે છે!

સિડની યુનિવર્સિટીના મુખ્ય સંશોધક પ્રોફેસર બામિની ગોપીનાથનું કહેવું છે કે જો દિવસમાં એક વાર એક નારંગી ખાવામાં આવે તો અંધાપાનાં સામાન્ય કારણોનું નિવારણ થતું હોય છે. સાઇટ્રસ ધરાવતું આ ફળ દિવસમાં એક વાર આરોગવાથી ઉંમર સંબંધી દૃષ્ટિની ખામીઓને ૬૦ ટકા નિયંત્રણમાં રાખે છે.

ડેટા દર્શાવે છે કે નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ તત્ત્વ રોગોથી બચાવ કરે છે. ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ અંધાપા સામે શા માટે રક્ષણ આપે છે તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

આ અંગે સંશોધકોએ સરેરાશ ૪૯ વર્ષની વય ધરાવતા ૨,૦૩૭ વયસ્ક પર ૧૫ વર્ષ સુધી અભ્યાસ કરીને આવાં તારણ આપ્યાં છે. સંશોધનમાં ભાગ લેનારાઓને પ્રશ્નાવ‌િલ આપીને તેના જવાબ મેળવીને તેમની સમીક્ષા કરવામાં આવતી હતી. તારણોમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય નાસ્તા અને ફળફળાદિ આરોગવાની સરખામણીએ નારંગી આરોગવાથી વય સંબંધિત અંધાપા (એએમડી)થી વ્યક્તિનો બચાવ થાય છે.’

આ અંગે પ્રોફેસર ગોપીનાથે તો ત્યાં સુધી જણાવ્યું છે કે એક વાર એક નારંગી ખાવાથી પણ લાભ થાય છે. સંશોધકો હવે અંધાપા કે આંખના રોગો માટે કયાં ‌જેનેટિક કે પર્યાવરણીય કારણ જવાબદાર છે તે અંગે પણ સંશોધન કરવાના છે. ભૂતકાળમાં વિટામિન-સી, ઇ અને એ ધરાવતાં પોષક દ્રવ્યોની ચક્ષુ પરની અસર વિશે અભ્યાસ થઈ ચૂક્યા છે, પરંતુ પ્રોફેસર ગોપીનાથે નવા અભિગમ સાથે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધકે ફ્લેવોનોઈડ અને અંધાપા વચ્ચેના સંબંધ વિશે સંશોધન હાથ ધર્યું હતું. ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાંથી ઉપલબ્ધ રહે છે. તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

You might also like