GST ના અમલમાં બાદ ઘટતી આવકના પગલે ટેક્સ વસૂલાત પર ભાર

નવી દિલ્હી: જુલાઇથી જીએસટી અમલમાં આવ્યા બાદ શરૂઆતના સમયમાં જોવા મળેલી આવક બાદ સતત ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. તો બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓની જુલાઇ પૂર્વેની ઇન્પુટ ટેક્સ ક્રેડિટની માગ ઊંચી છે. નાણાં વિભાગ ઘટતી જતી આવકને લઇને ચિંતિત છે, જેના પગલે આવક વધે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.

ઇન્કમટેક્સ વિભાગ બાકી ટેક્સ વસૂલાતની તૈયારી કરી રહ્યો છે. ટેક્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે આઇટી ડિપાર્ટમેન્ટ, સર્ચ સર્વે, ઇન્ફર્મેશન વેરિફિકેશન તથા કેટલાક કડક પગલાં ઉઠાવી શકે છે. ખાસ કરીને મોટી રકમના રોકડ વ્યવહાર થયા હોય ત્યાં તે સંબંધે આગામી દિવસોમાં સ્પષ્ટીકરણ માગવામાં આવી શકે છે તથા માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરવાનું અભિયાન વધુ તેજ બનાવી શકે છે.

સીબીડીટીના મુખ્ય અધિકારીઓએ દેશનાં વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં મોકલવામાં આવેલી નોટિસ તથા તેની સાથે જોડાયેલા એસેસમેન્ટ કેસને ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં પૂરા કરવાની સમય સીમા નક્કી કર્યા બાદ રિકવરી પર ફોકસ કરવા સીધી સૂચનાઓ આપવામાં આવી છે. નોંધનીય છે કે જીએસટીની અંદાજિત ૯૨ હજાર કરોડની માસિક આવક સામે ઘટીને ૮૫ હજાર કરોડની નીચે પહોંચી ગઇ છે.

You might also like