Ahmedabad: પૂર્વ ઝોનમાં વિકાસની સાથે ડ્રેનેજના પ્રશ્નો પણ વધ્યા

અમદાવાદ: રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદનો વિકાસ હરણફાળ ગતિએ થઇ રહ્યો છે શહેરનું કોંક્રેટીકરણના કારણે ટ્રાફિક જામના પ્રશ્નો તો ‌ઉદભવે છે પરંતુ પૂર્વ ઝોનમાં ડ્રેનેજનો સમસ્યામાં પણ વૃદ્ધિ થઇ છે.

શહેરના નવા શાસકોએ પૂર્વ ઝોનના પ્રશ્ન સંદર્ભે ઝોનલ સ્તરની બેઠક યોજી હતી. જેમાં પૂર્વ ઝોનને લગતી વિવિધ નાગરિકલક્ષી સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટરોએ ટોચના હોદ્દેદારો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ ઝોનમાં નવા નિકોલ, નવા ઓઢવ, નવા વસ્ત્રાલ જેવા નવા નવા વિસ્તાર ખૂબ જ વિકાસ પામ્યા છે.

જે જગ્યાએ ૫૦ મકાન હોવાં જોઇએ ત્યાં પ૦૦ મકાન બન્યાં છે તેની સામે ડ્રેનેજ નેટવર્ક પણ સાવ અપૂરતું છે. ઔડાના સમયના નેટવર્કમાં કોઇ સુધારો કરાયો નથી. પરિણામે આ વિસ્તારોમાં કાયમ ગટર ઊભરાતી હોય છે.

વસ્ત્રાલમાં ગટર બેકિંગની કાયમી સમસ્યા હોઇ તે અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરાઇ છે. રિંગરોડના ઓક્ટ્રોય નાકા પાસે આગામી બજેમાં નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને સમ્પ બનાવીને ગટર બેકિંગના પ્રશ્નના નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે.  આદિનાથનગર જેવાં નીચાણવાળા ભાગમાં ભરાતાં વરસાદી પાણીના પ્રશ્ન ઉકેલવા માટે સમ્પ બનાવવા રજૂઆત કરાઈ છે.

બીજી તરફ ઓઢવ, નવા ઓઢવ વિસ્તાર તેમજ વસ્ત્રાલનાં વરસાદી પાણી ભરાવવાના પ્રશ્નના ઉકેલ માટે આ વિસ્તારના સમ્પને વારાફરતી ચલાવશે. જો કે તંત્ર દ્વારા રિંગરોડ પરના ઓઢવ ચાર રસ્તા પાસે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને તેને સંલગ્ન નેટવર્ક બિછાવવાની કામગીરી હાથ ધરાઇ છે.

જો કે તેમાં ઝડપ લાવવાની પણ માગણી ઊઠી છે જોકે આવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હજુ દોઢ વર્ષ લાગશે. અલબત્ત તંત્ર દ્વારા નાના ચિલોડાથી ઓઢવ અને વિંઝોલ સુધી ગટર નેટવર્કને લગતું અંદાજે રૂ.૧૦૦ કરોડનું કામ પણ હાથ ધરાયું છે. આ સમગ્ર કામગીરી છ ટેન્ડરમાં વહેંચાઇ છે. તેમ છતાં હજુ બે ચોમાસાં આ વિસ્તારોના લોકો માટે કપરાં બનશે.

You might also like