Ahmedabad: સિવિલ, વીએસ, શારદાબહેન હોસ્પિટલ અને એલજીના જુનિયર ડોક્ટરોની હડતાળ

અમદાવાદ: કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન બિલ- ૨૦૧૭ના વિરોધમાં આજે રાજ્ય સહિત દેશભરના મેડિકલના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટર હડતાળ પર ઊતર્યા છે. જેમાં શહેરની સિવિલ હોસ્પિટલ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલના આશરે ૩૫૦ જુનિયર ડોક્ટર જોડાતાં તેની આરોગ્ય સેવા ઉપર માઠી અસર પડી છે. સવારથી દર્દી અને તેમનાં સગાં-સંબંધીની ચહલપહલથી ગાજી ઊઠતી આ હોસ્પિટલનો ઓપીડી વિભાગ, ઓપરેશન સહિતની સેવા રઝળી પડતાં દૂર દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓને નિરાશ થઈને ઘરે પરત જવું પડ્યું છે.

વી.એસ. હોસ્પિટલ સાથે જોડાયેલા ૩૫૦થી વધુ જુનિયર ડોક્ટરના પ્રતિનિધિમંડળ દ્વારા બે દિવસ અગાઉ હોસ્પિટલના સત્તાવાળાઓને કેન્દ્રના આગામી નેશનલ મેડિકલ કમિશન બિલ-૨૦૧૭ના વિરોધમાં સોમવારે ચોવીસ કલાકની હડતાળ પર ઊતરી જવા અંગે આવેદનપત્ર અપાયું હતું. સત્તાવાળાઓએ આ મામલે જુનિયર ડોક્ટરના પ્રતિનિધિમંડળને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જે નિષ્ફળ જતાં આજે સવારથી જુનિયર ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે. કેન્દ્રના બિલની જોગવાઈ મુજબ આયુર્વેદિક ડોક્ટરને એલોપથીની સારવાર કરવાની છૂટ મળી શકે તેમ હોઈ દેશભરના જુનિયર ડોક્ટરોમાં ઉશ્કેરાટ ફેલાયો છે.

વી.એસ.ના ઓપીડી વિભાગ સવારના આઠ વાગ્યાથી દર્દીઓથી ધમધમતો થઈ જાય છે. પરંતુ આ હડતાળથી છેક સુરેન્દ્રનગર, ભાવનગર, ઈડર, હિંમતનગર જેવા દૂર દૂરના વિસ્તારથી આવેલા ઓપીડીના દર્દીને ધરમ ધક્કો ખાવો પડ્યો હતો. બીજી તરફ હોસ્પિટલના તંત્ર દ્વારા આજે સવારથી ૧૫૦ સિનિયર ડોક્ટરોને ફરજ પર હાજર કર્યા હોઈ હોસ્પિટલની રૂટિન કામગીરી યથાવત્ રહી હોવાનો દાવો કરાયો છે. જો કે વી.એસ. હોસ્પિટલના સરેરાશ ૨૦૦૦ ઓપીડી દર્દીની સંખ્યા તેમજ રોજના લગભગ ૧૨૦ નાનાં-મોટાં ઓપરેશનમાં માઠી અસર પડી છે. ખાસ અપવાદરૂપ કિસ્સામાં સિઝેરિયન ઓપરેશન જેવાં ઈમર્જન્સીના કેસના ઓપરેશન આજે સવારે ચાલુ રખાયાં હતાં.

વી.એસ.માં ચોવીસ કલાકની હડતાળને જોતાં ખાસ કરીને રાતના સમયે ઈન્ડોર દર્દીની દશા કફોડી થશે. સામાન્ય દિવસોમાં પણ રાતપાળીમાં ફરજ બજાવતા જુનિયર ડોક્ટર સામે અવારનવાર ફરિયાદ ઊઠે છે. સિનિયર ડોક્ટર પણ રાતે કોઈક કેસમાં ઈમર્જન્સી ઊભી થવા છતાં દર્દીની સારવાર માટે તત્કાળ દોડી આવવાનું ટાળતા હોય છે.

દરમિયાન એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં પણ આજે સવારના આઠ વાગ્યાથી આશરે ૨૩૦ જુનિયર ડોક્ટર હડતાળ પર ઊતરતા સેંકડો દર્દીઓ હાલાકીમાં મુકાયા છે. એલ.જી. હોસ્પિટલમાં દરરોજના ૮૦૦ ઓપીડી દર્દી નોંધાતાં હોઈ પાંચથી વધુ મોટા ઓપરેશન જ્યારે શારદાબહેન હોસ્પિટલમાં દરરોજના ૬૦૦ ઓપીડી દર્દી અને ત્રણ મોટાં ઓપરેશન થાય છે. આ બંને હોસ્પિટલમાં અમુક જુનિયર ડોક્ટર ફરજ પર હાજર થયા હોઈ ઈમર્જન્સી ઓપીડી તેમજ ઓપરેશન ચાલુ રહ્યા હોવાનો તંત્રે દાવો કર્યો છે.

આજે શહેરની બી.જે. મે‌િડકલ કોલેજ સહિતની મેડિકલ કોલેજના અને પીજી સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઊતર્યા છે. તેઓ શૈક્ષણિક કાર્ય સહિતની કામગીરીથી અળગા રહ્યા છે.

સવારના ૮ વાગ્યાથી જ તેઓ હડતાળ પર ઊતરી જતાં જુનિયર ડોક્ટર હોસ્પિટલમાં પ્રેક્ટિસ માટે ગયા નથી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રભાકરે જણાવ્યું હતું કે તમામ સિનિયર ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. દર્દીઓને કોઇ અગવડ ન પડે તે માટેની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.

You might also like