INDvsENG: પ્લીઝ, ટીમની પસંદગીને લઇને હવે ખોટા નિર્ણયો નહીં લેતા

નોટિંગહમઃ ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમમાં વાદળો છવાયેલાં છે, તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ છે અને ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક સૂર્ય નારાયણ દેખા દઈ દે છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન આવું જ રહેવાનું છે અને આ જોતાં ઈંગ્લેન્ડ જ નહીં, ભારત પણ દાવ ફાસ્ટ બોલર પર જ લગાવશે.

બંને ટીમના પ્રેક્ટિસ સેશન જોતાં લાગે છે કે આ મેચમાં સ્પિનર્સ માટે બહુ કામ નહીં હોય. શ્રેણીમાં ૦-૨થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને જો વાપસી કરવી હોય તો તેમણે ટીમની પસંદગીમાં કોઈ પણ ખોટા નિર્ણયો કરતાં બચવું પડશે એવું ભારતીય ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે.

ભારતીય ટીમે તાજેતરના બે વિદેશ પ્રવાસ દરમિયાન પાંચ મેચમાં ટીમની પસંદગી અને પીચને ઓળખવામાં થાપ ખાધી છે. આને કારણે ભારતે પાંચમાંથી ચાર મેચ ગુમાવવી પડી છે. લોર્ડ્સમાં વિરાટની કેપ્ટનશિપમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાને ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો.

કોહલીની કેપ્ટનશિપમાં ભારતે ૩૬ ટેસ્ટ મેચમાં દરેક વાર નવા ફેરફાર સાથેની અલગ જ ટીમ ઉતારી છે. આવતી કાલથી શરૂ થઈ રહેલી ૩૭મી ટેસ્ટમાં પણ આવું જ થવાની શક્યતા છે. ચાહકો ઇચ્છી રહ્યા છે કે આ વખતે અંતિમ ઈલેવન ફૂલપ્રૂફ હોવી જોઈએ.

પંત-બૂમરાહના સમાવેશથી ટીમ મજબૂત બનશેઃ ત્રીજી ટેસ્ટ મેચમાં વિકેટકીપર રિષભ પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને સ્થાન મળે શકે છે. શરૂઆતની બંને ટેસ્ટમાં વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. તે પ્રથમ મેચમાં ૨૦ અને બીજી મેચમાં ફક્ત એક રન જ બનાવી શક્યો હતો.

આ સ્થિતિમાં પંતને ટેસ્ટ પદાર્પણ કરવાની તક મળી શકે છે. જસપ્રીત બૂમરાહે પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બોલિંગ કરી. ઈશાંત શર્મા અને મોહંમદ શામીનું રમવું નક્કી છે. અશ્વિન એકમાત્ર સ્પિનર તરીકે ટીમમાં રમી શકે છે.

કોહલીએ બેટિંગ પ્રેક્ટિસ કરીઃ ગત મેચમાં કોહલીની પીઠમાં તકલીફ હતી, પરંતુ તેણે જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરી. એ દરમિયાન ફિઝિયો પેટ્રિક ફરહર્ટ અને ટ્રેનર શંકર વાસુ તેના પર નજર રાખી રહ્યા હતા. વિરાટ ત્રીજી ટેસ્ટમાં કોઈ પણ સંજોગોમાં રમવા ઇચ્છે છે, પરંતુ અંતિમ નિર્ણય આવતી કાલે સવારે જ લેવાશે.

ઓપનિંગનો જંગઃ ગત મેચમાં ટીમની બહાર રહેલો શિખર ધવન અને મુરલી વિજયને પ્રેક્ટિસ સેશનમાં શરૂઆતમાં જ તક અપાઈ. ત્યાર બાદ કે. એલ. રાહુલે પ્રેક્ટિસ કરી. આ સમગ્ર શ્રેણીમાં ભારતે ત્રણેય ઓપનર અજમાવ્યા છે અને એ ત્રણેય સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. ભારત પાસે વધુ વિકલ્પ નથી અને આ ત્રણમાંથી જ કોઈ બે ઓપનિંગ કરશે. આવતી કાલની મેચમાં શિખર વાપસી કરે તેવી શક્યતા છે.

You might also like