Film Review: ‘દો લફ્ઝોં કી કહાની’

કોરિયન ફિલ્મ ‘ઓલ્વેઝ (ઓન્લી યુ)’ની ઓફિશિયલ રિમેક એવી ‘દો લફ્ઝોં કી કહાની’ ફિલ્મના લીડ સ્ટારમાં કાજલ અગ્રવાલ અને રણદીપ હૂડા છે.

સૂરજ (રણદીપ હૂડા) આખો દિવસ પોતાના કામમાં રચ્યોપચ્યો રહે છે. આજુબાજુમાં શું થાય છે અને કોણ શું કરે છે એ કોઇ વાત સાથે એને મતલબ નથી. સૂરજ ક્યાંથી આવ્યો છે અને તેનો ભૂતકાળ શું હતો એ પણ કોઇ જાણતું નથી. એક દિવસ સૂરજને પાર્કિંગમાં જેની (કાજલ અગ્રવાલ) મળે છે. થોડી વાર સુધી તો સૂરજને ખબર જ નથી પડતી કે જેની બ્લાઇન્ડ છે. સૂરજ અને જેની બંને અનાયાસે રેગ્યુલર મળવાનાં શરૂ થાય છે અને આ મુલાકાતો પ્રેમમાં પરિણમે છે. સૂરજ જેનીની આંખો ડોક્ટરને દેખાડે છે ત્યારે ખબર પડે છે કે એ આંખો પાછી આવી શકે છે, પણ એના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે તેમ છે.

સૂરજ કોઇ પણ હિસાબે જેનીની આંખોની રોશની પરત લાવવા માગે છે. જેની માટે તે ફરી એક વખત પોતાના ભૂતકાળ તરફ આગળ વધે છે, જોકે એ ભૂતકાળ જેની માટે જોખમ લઇને આવનાર છે અને જેની-સૂરજને છૂટાં પાડવાનું કામ કરે છે. ફિલ્મનું ડિરેકશન દીપક તિજોરીએ કર્યું છે તો ફિલ્મનું મ્યુઝિક અમાન માલિક, અંકિત તિવારી અને અર્જુન હરજાયનું છે. •

You might also like