૧૫ વર્ષ મોટી ડિવોર્સી મહિલાની પ્રેમજાળમાં ફસાયો ને જિંદગી ગુમાવી

0 2

અમદાવાદ: મોટી ઉંમરની મહિલા સાથે મિત્રતા કરવી અથવા તો પ્રેમસંબંધ બાંધવો કયારેક ભારે પડી જતો હોય છે. આવું જ કંઇક કલાપીનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે બન્યું છે. મિત્રની કાકીની પ્રેમજાળમાં ફસાયેલા યુવકે છેવટે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. મેઘાણીનગરમાં રહેતા યુવકે કલાપીનગરના યુવક સાથે મિત્રતા કરી પોતાની કાકી સાથે યુવકને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી મૈત્રીકરાર કરાવી લીધો હતો. મૈત્રીકરાર થયા બાદ યુવકને તેની કાકી સાથે રહેવા દબાણ કરી ધાકધમકી આપવામાં આવતી હતી. યુવકે પોતાનાથી ૧પ વર્ષ મોટી ઉંમરની મહિલા સાથે રહેવાની ના પાડતાં પોલીસ સ્ટેશનમાં બળાત્કારની અરજી કરીને ધાકધમકી આપી હતી, જેના પગલે યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મેઘાણીનગર પોલીસે કાકી-ભત્રીજા સહિત ચાર સામે ગુનો નોંધી ત્રણની તેમની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ કલાપીનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લક્ષ્મણભાઇ આશેરી તેમની પત્ની, પુત્રી અને બે પુત્ર સાથે રહે છે. લક્ષ્મણભાઇ દરજીની દુકાનમાં સિલાઇનું કામકાજ કરી ગુજરાન ચલાવે છે. તેમનો નાનો પુત્ર હિતેશ (ઉં.વ.૧૯) ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુ‌િટવ તરીકે નોકરી કરતો હતો. બે મહિના અગાઉ હિતેશને મેેઘાણીનગરના ચમનપુરા ખાતે આવેલી ઘીવાળી ચાલીમાં રહેતા વિશાલ ચૌહાણ સાથે મિત્રતા થઇ હતી. બંને મિત્ર હોવાથી વિશાલના ઘરે આવનજાવન હિતેશ કરતો હતો. વિશાલની કાકી તારાબહેન ચૌહાણનાં ૧ર-૧૩ વર્ષ અગાઉ છૂટાછેડા થઇ ગયા હતા અને વિશાલના પરિવાર સાથે જ તેઓ રહેતાં હતાં.

વિશાલ અને તારાબહેને ભેગાં મળી હિતેશને તારાબહેનની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. હિતેશ પાસે બળજબરીથી તારાબહેન સાથે પતિ-પત્ની તરીકે રહેવા મૈત્રીકરાર કરાવ્યો હતો. વિશાલ હિતેશને તારાબહેન જોડે રહેવા દબાણ કર્યું હતું. ધમકી આપતાં હિતેશ ભાગીને તેનાં માતા-પિતા પાસે આવ્યો હતો અને ‘મને બચાવી લો’ તેવી આજીજી માતા-પિતા પાસે કરી હતી. વારંવાર હિતેશ પર તારાબહેન સાથે રહેવા દબાણ કરવામાં આવતું હતું અને તેને જો નહીં રહે તો પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ આપી દેશે તેમ જણાવ્યું હતું, જેથી હિતેશ ગભરાઇને ફરીથી તારાબહેન સાથે રહેવા ગયો હતો.

હિતેશનાં માતા-પિતા દ્વારા તેમના પુત્રને આ ચુંગાલમાંથી મુકત કરવા વિશાલ અને તારાબહેનનાં બહેન પ્રભાબહેન ડા‌ગીચા અને બનેવી સુનીલ ડાગીચાને વિનંતી કરી હતી. હિતેશને છોડવા તેઓએ રૂ.પાંચ લાખની માગ કરી હતી. પૈસાની વાત થતાં તેઓ હિતેશને લઇ ઘરે આવી ગયા હતા. દરમિયાનમાં વિશાલ અને તેના સાગરીતો દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની અરજી આપવામાં આવી હતી, જેના પગલેે પોલીસે હિતેશને દોઢ દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અરજીનો જવાબ લઇ જવા દીધો હતો.

ગત શુક્રવારે હિતેશ પોતાના ઘરે હાજર હતો ત્યારે તેણે સ્યૂસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હિતેશના પિતા લક્ષ્મણભાઇના જણાવ્યા મુજબ વિશાલે તેની કાકી તારાબહેનની પ્રેમજાળમાં હિતેશને ફસાવી બળાત્કારની પોલીસ સ્ટેશનમાં અરજી આપી તારાબહેન સાથે રહેવા દબાણ કરાતાં હિતેશ ટેન્શનમાં રહેતો હતો. પરિવાર દ્વારા સારા વકીલ કરી આ તમામ ચુંગાલમાંથી મુકત કરાવવાની ખાતરી અપાઇ હતી.

આમ છતાં હિતેશે વિશાલ અને તેના મળતિયાઓની ધામધમકીથી ડરી જઇ આપઘાત કરી લીધો હતો. લક્ષ્મણભાઇની ફરિયાદના આધારે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે. મેઘાણીનગરના પીએસઅાઈ વાય.જે. પટેલે જણાવ્યું હતું કે, યુવકે લખેલી સ્યૂસાઈડ નોટના અાધારે તેના પિતાની ફરિયાદના અાધારે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.