GSTમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક વર્ષ સુધી ઈન્સેન્ટિવ નહીં મળે

અમદાવાદ: સરકારે નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધે તે માટે જોરદાર પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ એકયા બીજા કારણસર સરકારને તેમાં ધારી સફળતા મળી ન હતી. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને જીએસટીમાં રાહત મળી શકે છે તેવી ચર્ચા છેડાઇ હતી, પરંતુ જીએસટી કાઉન્સિલની પેનલે એક વર્ષ સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે વધારાના ટેક્સ ઇન્સેન્ટિવ ઓફર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન સુશીલકુમાર મોદી કાઉન્સિલને આ ભલામણ સુપરત કરશે. મોદીએ વધુમાં જણાવ્યું કે એક વર્ષ પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવ અંગે ભલામણ કરવાનું વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનોના જૂથે એક વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ઇન્સેન્ટિવ ઓફર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારને બે ટકાની રાહત અથવા એક ટ્રાન્ઝેક્શન પર વધુમાં વધુ ૧૦૦ રૂપિયાની છૂટ હાલ લાગુ નહીં કરવાની કમિટી દ્વારા ભલામણ કરાઇ હતી. દરમિયાન રિવર્સ ચાર્જ મિકેનિઝમ અંગે સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં બનેલી પેનલે જીએસટી કાઉન્સિલને નોંધાયેલી વ્યક્તિઓને નોટિફાય કરવાની ભલામણ કરી છે. બંને પેનલની ભલામણ આગામી ૨૧ જુલાઇએ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠક સમક્ષ મૂકવામાં આવશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જીએસટીની આવકમાં હજુ ઘટ પડી રહી છે. કેટલાક વેપારીઓ દ્વારા કરચોરી કરાય છે તો કેટલાક વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ટેક્સ ક્રેડિટ પણ મેળવાઇ રહી છે આવા સંજોગોમાં લક્ઝુરિયસ ચીજો પર લેવાતા ૨૮ ટકા ટેક્સમાં રાહત આપવાની શક્યતા ઓછી છે. એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક વર્ષ સુધી ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે નહીં.

પ્રાપ્ત થતી માહિતી મુજબ એક વર્ષ બાદ આવકમાં સ્થિરતા આવ્યા બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાહત અપાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે સરકારને જીએસટી અંતર્ગત એક લાખ કરોડથી પણ વધુની આવક મેળવવા માટે હજુ પણ મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

મોબાઈલ એપ્લિકેશન દ્વારા જીએસટી નંબર ચકાસી શકાશે
એક વર્ષ બાદ સરકારને અપેક્ષા મુજબની જીએસટીમાં આવક થઈ શકી નથી અને તેના પગલે સરકાર આવક વધારવાના જુદા જુદા પ્રયત્નો હાથ ધરે છે. કેટલાક રજિસ્ટર્ડ વેપારીઓ દ્વારા ગ્રાહક પાસેથી ટેક્સ ઉઘરાવે છે, પરંતુ સરકારની તિજોરમાં તે જમા કરાવાતો નથી.

ખાસ કરીને હોટલ અને રેસ્ટોરાંવાળા, ટેક્સટાઇલ, જ્વેલર્સ દ્વારા મોટા પ્રમાણમાં કરચોરી હાથ ધરવામાં આવે છે, જેના પગલે હવે મોબાઇલ એપ્લિકેશન થકી ગ્રાહક વેપારીના જીએસટી નંબર ચકાસી શકશે એટલું જ નહીં વેપારીએ આપેલા બિલમાં રજિસ્ટર્ડ નંબર દ્વારા જ જીએસટી લગાવે છે કે નહીં તે પણ ક્રોસ ચેક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે કેટલાક બેનામી જીએસટી નંબર દ્વારા મોટા પ્રમાણમાં કરચોરી કરાતી હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે.

You might also like