ધોનીના જ ભેજાની પેદાશ હતી A+ કેટેગરી ને ખુદ તેમાંથી બહાર થયો

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ નવા ગ્રેડ A+ શ્રેણીની શરૂઆત કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રેડ A+માં સામેલ ક્રિકેટરોને બોર્ડ વાર્ષિક સાત કરોડ રૂપિયાની ચુકવણી કરશે. સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને ગ્રેડ A+થી પુરસ્કૃત કરવાનું સૂચન ખુદ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યું છે.

અસલમાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ પે-સ્ટ્રક્ચર (ચુકવણી માળખું)ની ચર્ચા કરી હતી. કુંબલેએ સિનિયર ખેલાડીઓ સાથે વાત કરી અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી ક્રિકેટ વહીવટી સમિતિ (સીઓએ) સમક્ષ તેની રજૂઆત કરી હતી. કુંબલેએ ગત મે મહિનામાં કોચપદ છોડી દીધાના એક મહિના પહેલાં સીઓએ અને બીસીસીઆઇના ટોચના અધિકારીઓ સમક્ષ નવા સેલરી સ્ટ્રક્ચર અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. એ કુંબલે મોડેલમાં પાંચ કરોડના ટોપ કોન્ટ્રેક્ટની વાત રાખવામાં આવી હતી.

ત્યાર બાદ સીએઓનો ખેલાડીઓની વેતન વૃદ્ધિના મુદ્દો કોહલી, ધોની, રોહિત શર્મા અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે બેઠકોનો દોર ચાલ્યો. છેવટે ગત ડિસેમ્બરમાં ખેલાડીઓએ ગ્રેડ A+ કરારની ભલામણ કરી દીધી. સીઓએ અધ્યક્ષ વિનોદ રાય એક ઇન્ટર્વ્યૂમાં કહી ચૂક્યા છે કે ગ્રેડ A+નું સૂચન ધોની અને વિરાટ તરફથી જ આવ્યું હતું.

ધોની-વિરાટ ગ્રેડ A+ને શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે રાખવા ઇચ્છતા હતા. તેઓનો તર્ક હતો કે આ ગ્રેડમાં ફક્ત એ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવે, જે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા હોય અને ટોપ-૧૦ રેન્કિંગમાં હોય.

એટલે કે જે પાંચ ખેલાડીને ગ્રેડ A+માં રાખવામાં આવ્યા છે તેઓ હાલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, વન ડે અને ટી-૨૦માં રમી રહ્યા છે. તેઓ વધુ વેતન મેળવવા માટે હકદાર છે અને આ જ આધાર પર ધોની ગ્રેડ A+ કેટેગરીમાંથી બહાર થઈ ગયો. ધોનીને બીજા નંબર શ્રેણી ગ્રેડ-એ મળી. આ શ્રેણીમાં એવા ખેલાડી સામેલ છે, જેઓનું કોઈ એક ફોર્મેટમાં રમવાનું નક્કી છે.

ધોની ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. અશ્વિન અને જાડેજા નિર્ધારિત ઓવર્સની મેચમાં પસંદગીના દાવેદાર રહ્યા નથી. રિદ્ધિમાન સાહા અને ચેતેશ્વરક પૂજારા ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે. આથી આ બધીને બીજી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે ‘વધુ મેચ રમો અને વધુ વેતન મેળવો’ની નીતિ પર ગ્રેડનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.
તોય ધોનીને તો ફાયદો જ થયો છે
ઘણા લોકો આ ગ્રેડમાં ધોનીના નુકસાનની વાતો કરી રહ્યા છે, પરંતુ એવું નથી. ધોની તો ફાયદામાં જ રહ્યો છે. જો બીસીસીઆઇ જૂની ફોર્મ્યુલા અપનાવત તો બની શકે કે ધોની એ-ગ્રેડથી નીકળીને બ્રી-ગ્રેડમાં આવી જાત. એ સ્થિતિમાં ધોનીને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા જ મળત, પરંતુ એક નવો ગ્રેડ A+ આવવાને કારણે તે એ-ગ્રેડમાં જ જળવાઈ રહ્યો. હવે તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મળતા રહેશે.

You might also like