MS ધોનીની કમરથી ટીમ ઇન્ડિયાને દર્દ થશે?

નવી દિલ્હીઃ આઇપીએલની વર્તમાન સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીના બેટમાંથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે, પરંતુ એક વાત એવી છે, જે ટીમ ઇન્ડિયાના ચાહકોને પરેશાન કરી શકે છે. ૧૫ એપ્રિલે સીએસકેનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સામે હતો.

એ મેચમાં ધોનીને કમરનો દુખાવો શરૂ થયો, જે હજુ પણ ચાલુ છે. આઇપીએલની સતત મેચ રમવાનાં ચક્કરમાં ધોનીના શરીરને આરામ નથી મળી રહ્યો અને તેની અસર ટીમ ઇન્ડિયાના આઇપીએલ પૂરી થયા બાદના અભિયાન પર પડી શકે છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ધોનીની કમરથી ટીમ ઇન્ડિયાને દર્દ થવાની શક્યતા છે.

આઇપીએલ રમવા દરમિયાન જો ધોનીનું કમર દર્દ આવું જ રહ્યું તો ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેની અસર આખી ટીમ પર પણ પડી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આઇપીએલમાં રમીને ધોની ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલી તો ઊભી નથી કરી રહ્યો ને?

પંજાબ સામેની મેચ દરમિયાન બેક પેન થયો હતો
એ મેચ મોહાલીમાં રમાઈ રહી હતી અને સીએસકે મુશ્કેલીમાં ફસાયેલી નજરે પડી રહી હતી. ધોનીએ અંતિમ બોલ પર છગ્ગો પણ ફટકાર્યો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. કિંગ્સ ઈલેવન પંજાબના ૧૯૭ રનના જવાબમાં સીએસકે ૧૯૩ રન બનાવી શકે અને ચાર રને મેચ હારી ગઈ.

ધોની એ મેચમાં ૪૪ બોલમાં તોફાની ૭૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. એ મેચ દરમિયાન ધોનીને કમરનો દુખાવો શરૂ થયો હતો, તેમ છતાં તે બેટિંગ કરતો રહ્યો. મેદાન પર જ તેણે દવા લીધી, મસાજ પણ કરાવ્યો, પરંતુ મેદાન છોડીને ગયો નહીં.

એ મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે, ”આવા દર્દ સાથે રમવું તેની આદત બની ચૂકી છે. બેક પેન છે, પરંતુ મારા હાથોમાં બહુ જ તાકાત છે અને મને લાગે છે કે એનાથી કામ ચાલી જશે.” ત્યાર બાદ દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં ધોની પોતાની કમરને બચાવતો નજરે પડ્યો હતો.

રન લેવા ભાગે ત્યારે કમરને બહુ શ્રમ ના પડે તેનું ખાસ ધ્યાન રાખતો હતો. એ મેચ પૂરી થયા બાદ પણ તેણે જણાવ્યું હતું, ”બેક પેનથી હજુ તે પરેશાન તો છે જ અને આ જ કારણે તે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યો નથી.” જોકે ધોની ટીમ ઇન્ડિયા તરફથી પણ દર્દ હોવા છતાં રમી ચૂક્યો છે, પરંતુ ત્યારે અને અત્યારે તેની ઉંમરમાં ઘણો ફરક આવી ગયો છે.

You might also like