વસ્ત્રાપુર ડિમોલિશન દસ દિવસ ચાલશે

અમદાવાદ, બુધવાર
ગઇ કાલથી વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજ સુધીના અસમતોલ પહોળાઇ ધરાવતા આશરે ૪૦૦ મીટર હયાત રસ્તાને એકસરખો ૭૦ ફૂટ પહોળો કરવાની કામગીરીમાં અસરગ્રસ્તો સ્વયંભૂ રીતે આગળ આવ્યા છે. અા રોડલાઇનનો મુદ્દો દાયકાઓ જૂનો હોઇ હવે તેને પહોળો કરાઇ રહ્યો હોઇ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ઓપરેશન ડિમો‌િલશન હજુ સળંગ દસ દિવસ ચાલશે.

તંત્ર દ્વારા સ્વયંભૂ દબાણ ખસેડવા તૈયાર થયેલા અસરગ્રસ્તોની મદદ માટે ગઇ કાલ સવારથી એક જેસીબી મશીન મોકલી દેવાયું હતું. ત્યારબાદ બપોર પછી એક વધુ જેસીબી મશીન અસરગ્રસ્તોને ફાળવ્યું હતું. આમ, બે-બે જેસીબી મશીન કામે લાગતાં રોડલાઇન અમલની કામગીરી ઝડપી બની હતી.

અસરગ્રસ્તોએ ગઇ કાલે ૧ર દુકાન ખાલી કરીને આપતાં તંત્ર દ્વારા અંદાજે ર૪૦ ચો.મી.નું બાંધકામ દૂર કરાયું હતું. સ્વેચ્છાએ દબાણ તોડવાની કામગીરી રાતભર ચાલી હતી તેમ જણાવતાં નવા પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામા વધુમાં કહે છે, આજે પણ તંત્રે બે જેસીબી મશીન અસરગ્રસ્તોને ફાળવ્યાં છે. આ સમગ્ર ઓપરેશન ડિમો‌િલશન હજુ દસ દિવસ સુધી ચાલશે.

તંત્ર દ્વારા ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગની પોલીસની સહાયતા લઇને મંગળવારના પહેલા દિવસે ડિમો‌િલશનનું કામ હાથ ધરાયું હતું, જોકે આજે વસ્ત્રાપુર પોલીસનો બંદોબસ્ત મળશે તેવો આશાવાદ નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ વ્યક્ત કર્યો છે.

તાજેતરમાં સત્તાધીશોએ ગેરકાયદે બાંધકામને હટાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એસઆરપીની ટુકડી ફાળવવામાં ન આવતાં એક્સ આર્મીમેનની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો, જે પૈકી સાત એક્સ આર્મીમેનની નિમણૂક નવા પશ્ચિમ ઝોન ખાતે કરાઇ છે.

આ એક્સ આર્મીમેન ગઇ કાલે બોડકદેવના સિંધુ ભવન રોડ પરના ‘કેન વી મેટ’ નામના ગેરકાયદે કાફે બારને તોડવાની કામગીરીમાં રોકાયા હતા, જે આજથી વસ્ત્રાપુરનો ડિમો‌િલશનની કામગીરીમાં જોડાઇ જશે.

You might also like