Petrol-Dieselમાં મળી શકે છે રાહત! ક્રૂડના ભાવમાં ચાર ટકાનો તોફાની ઘટાડો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાઈ ૭૨ ડોલર પ્રતિ બેરલની નીચે સપાટી ઉપર ભાવ આવી ગયેલા જોવા મળ્યા છે. અગાઉ ઈરાનમાંથી ક્રૂડની આયાત કરતા દેશો સામે અમેરિકાએ લાલ આંખ કરી હતી.

જેનાં પગલે વૈશ્વિક ક્રૂડના બજારમાં તોફાની વધઘટની ચાલ જોવા મળી હતી. જોકે અમેરિકા દ્વારા હવે ઇરાનમાંથી ક્રૂડની આયાત કરતા દેશ સામે નરમ વલણ અપનાવી શકે છે. એટલું જ નહીં લિબિયાનો પોર્ટ પણ ખૂલી ગયો છે તથા રશિયા અને અન્ય દેશો દ્વારા ક્રૂડનાં ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના પાછળ વૈશ્વિક ક્રૂડનાં બજારોમાં ૪.૫ ટકાનાં ગાબડાં પડ્યાં છે.

દરમિયાન નાયમેક્સ ક્રૂડના ભાવમાં પણ ૪.૧૫ ટકાનો ઘટાડો જોવાઈ ૬૮.૦૬ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાછલા મહિને ઓપેક દેશોની બેઠક બાદ કેટલાક દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો હોવાના સમાચારોના પગલે પણ આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

You might also like