ચૂંટણીના છ માસ પૂર્વે કેસ થયો હશે તો ઉમેદવાર લડી નહિ શકે

નવી દિલ્હી, સોમવાર
ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશનનો જવાબ આપતાં જણાવ્યું છે કે ચૂંટણીના છ મહિના પહેલાં જો કોઈ ઉમેદવાર સામે કોઈ કેસ દાખલ થયો હશે તેવા ઉમેદવાર ચૂંટણી લડી નહિ શકે. આ અંગે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આવા લોકોને ચૂંટણી લડતાં અટકાવવા જોઈએ તેમજ આવા કોઈ કેસમાં આરોપીને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે તેમ છે તેમજ એક શરત એવી પણ છે કે જેના પર કોર્ટે આરોપો ઘડ્યા હોય અને કેસ ચૂંટણીના છ માસ પહેલાં દાખલ થયો હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે કોર્ટમાં દાખલ ‌પ‌િટશનનો ચૂંટણીપંચ તરફથી જવાબ આપી દેવામાં આવ્યો છે, જેની આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે ચૂંટણીપંચે પહેલાં જ આ અંગે પ્રસ્તાવ મોકલી આપી રાજકારણમાં આવા અપરાધને રોકવાની ભલામણ કરી છે.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આવા રાજકીય અપરાધને રોકવા કાયદામાં પરિવર્તન કરવાની જરૂર છે, પરંતુ તે અંગેના અધિકાર તેમની પાસે નથી તેમજ ચૂંટણીપંચને પાર્ટીઓના રજિસ્ટ્રેશનને ખતમ કરવાનો પણ કોઈ અધિકાર નથી. પંચે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા કોઈ આરોપીને દોષી ગણાવાયા બાદ તેના પર પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા અંગે પ્રતિબંધ લગાવવો જોઈએ.

ચૂંટણીપંચે સુપ્રીમને જણાવ્યું હતું કે પંચે આ અગાઉ પણ રાજકારણમાં ગુનાખોરીને અટકાવવાની કોશિશ કરી છે. આ અંગે ૧૫ જુલાઈ, ૧૯૯૮ના રોજ સરકારને કાયદામાં ફેરફાર કરવાની માગણી થઈ છે. આ ઉપરાંત જુલાઈ-૨૦૦૪ અને ડિસેમ્બરમાં પણ કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

You might also like