૧,૭૦૦થી વધુ સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ પડતર છેઃ કેન્દ્ર

નવી દિલ્હી: દેશના ૧૭૦૦થી વધુ સાંસદો અને ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. આ તમામ કેસો દેશની અલગ અલગ અદાલતોમાં પડતર છે. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક એફિડેવિટમાં આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ ૩,૦૪૫ કેસ દાખલ થયા છે. અદાલતે એક પિટિશનની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર પાસેથી આ અંગે જાણકારી માગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અશ્વની ઉપાધ્યાયે કોર્ટમાં પિટિશન દાખલ કરીને ક્રિમિનલ કેસમાં દોષિત સાંસદો અને ધારાસભ્યોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આવા સાંસદો અને ધારાસભ્યોની એક યાદી માગી હતી કે જેમની સામે ક્રિમિનલ કેસ દાખલ થયા હોય.

આ મામલમાં સુપ્રીમ કોર્ટે અગાઉ એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવા નિર્દેશ આપ્યો હતો. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટ અનુસાર ઉત્તરપ્રદેશના સાંસદો અને ધારાસભ્યો સામે સૌથી વધુ ૨૪૮ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં બીજા નંબરે તમિલનાડુના સાંસદો અને ધારાસભ્યો છે, કે જેમની વિરુદ્ધ ૧૭૮ કેસ દાખલ થયા છે. ત્રીજા સ્થાને ૧૪૪ પડતર કેસો સાથે બિહારના સાંસદો અને ધારાસભ્યોનો નંબર આવે છે.

ચોથા ક્રમે ૧૩૯ કેસો સાથે પ.બંગાળના સાંસદો અને ધારાસભ્યો છે, જ્યારે આંધ્રપ્રદેશ, કેરળ અને તલંગણાના સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કુલ ૧૦૦થી વધુ ક્રિમિનલ કેસ પડતર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચે કુલ ૧,૭૬૫ લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ૩૮૧૬ કેસ પડતર છે, જેમાંથી ૧૨૫ કેસોનો નિકાલ એક વર્ષમાં કરવામાં આવ્યો છે.

You might also like