મિત્રાચારી અને ધંધાની ભાગીદારીની ભેળસેળ ન કરવી

લાંબી જિંદગી ઉપર એક નજર નાખીને જર્મનીનો મહાકવિ ગેટે નિસાસો નાખે છેઃ ‘લાગણીઓ અને લાગણીઓ!’ મહાકવિ ગેટેના આ ઉદ્‌ગારના અનુસંધાન રૂપ વાક્ય નવલકથાકાર ડેવિડ હર્બટ લોરેન્સ પૂરું પાડે છે. એ કહે છે કે લાગણીઓ બાળકને જન્મ આપી બેઠેલી નારીની છાતીમાં માતૃત્વના દૂધની જેમ ઊભરાય છે, વહેણનો માર્ગ શોધે છે. માણસના અંતરમાં ઉભરાતી લાગણીઓ માટે સંબંધો નળીઓ શોધે છે.

આમ જુઓ તો આખી જિંદગી સંબંધોની એક શોધ ચાલ્યા કરે છે. સંબંધોને જીવંત અને સાર્થક બનાવવાની અને નિભાવવાની એક નિરંતર કોશિશ જેવી જિંદગી બની રહે છે. માણસને લોહીના સંબંધો પણ પૂરતા થઈ પડતા નથી. તે લોહીના કુદરતી સંબંધો ઉપરાંત લાગણીના સંબંધો પણ બાંધે છે.

માણસને સંબંધ વગર, બે હૃદય વચ્ચેના નાનામોટા સંવાદ વગર ચાલતું નથી. જ્યાં માણસ પાસે સંબંધ સ્થાપવા માટે બીજો છેડો મળતો નથી, કોઈ વ્યક્તિ આવો છેડો મળતો નથી ત્યાં તે પોતાનો છેડો ગમે ત્યાં જોડી દીધા વિના રહી શકતો નથી. માણસ સાથેના સંબંધના છેડા બરાબર મળે નહીં, જીવંત સંપર્ક રહે નહીં ત્યારે કેટલાક માણસો બધો જ સંબંધ દેવોની દુનિયામાં કે પ્રાણીઓની દુનિયામાં લઈ જાય તેવું બને છે. પણ આ રીતે તેને ઘણુંબધું મળે તો પણ તેને પોતાની જિંદગીમાં કંઈક ખૂટતું લાગે છે. મોટા ભાગે માણસો લાંબા-ટૂંકા અંતરના તમામ સંબંધોના તાર ઝણઝણતા રાખીને હૃદયની ગુંજાશને પૂરેપૂરી પામવા મથતા રહે છે.

માણસો પોતપોતાની જરૂરિયાત અને સમજણ પ્રમાણે સંબંધો ગોઠવે છે. ઉપયોગિતાની કસોટી ઉપર ટકી ન શકે તે સંબંધનો અર્થ શું? અત્યારે ઘણા માણસો કામકાજના સંબંધ અને બે માણસ વચ્ચેના સંવાદ-વિવાદના સંબંધને અલગ પાડી જ શકતા નથી. કાં શ્રેષ્ઠ મિત્રને ધંધાનો ભાગીદાર બનાવ્યા વિના જંપ વળતો નથી અને કાં તો ભાગીદારને મિત્ર બનાવ્યા વિના ભાગીદાર તરીકે તેનો હાર્દિક સ્વીકાર થઈ શકતો નથી. ધંધાના, નોકરીના ચાલુ વહેવારને અને લાગણીના બધા સંબંધોની મોટી ભેળસેળ થઈ જાય છે. આમાંથી કેટલીક વાર તેમને આંટીઘૂંટી ને ગૂંચવાડો અનુભવાય છે. આવું બને ત્યારે તેઓ નવા નિયમો ઘડે છે. જે ખરેખર નવા હોતા નથી પણ અગાઉ કોઈકે એમના જેવી જ સ્થિતિમાં કાઢ્યા હોય છે. તેઓ તેમને સલાહ આપશે, પોતાના અનુભવના બોધપાઠરૂપે કહેશે કે કદી મિત્રાચારી અને ધંધાની ભાગીદારીની ભેળસેળ કરવી નહીં. કુટુંબીઓ સાથે કદી કોઈ લેવડદેવડ કરવી નહીં.

હકીકતે આ બધી નકારાત્મક આજ્ઞાઓમાં કોઈ સિદ્ધાંત નથી. પણ તેમણે સંબંધોનું જે સ્વાદિષ્ટ શરબત બનાવવા ધારેલું તેવું શરબત બરાબર ન બન્યું. ગાઢ મિત્રો સાથે કે સગા સાળા સાથે શા માટે ભાગીદારી ન કરવી? એવો પ્રશ્ન તેમને પૂછીએ તો તે પોતાના કે બીજા કોઈના આવા કડવા અનુભવનો દાખલો આપશે, પણ સમજદાર માણસ જાણે છે કે ગાઢ મિત્ર કે સગા સાળા સાથેની ભાગીદારી કે ધંધાનો સંબંધ બરાબર ચાલતો નથી કે જામતો નથી તેનું ખરું કારણ બંનેની પરસ્પરની બે જાતની અપેક્ષાઓની આંટીઘૂંટી જન્મે છે તે છે. સગો સાળો સારા ભાગીદાર જેવું જ વર્તે તેવું તમે એક પળે ઈચ્છો છો અને બીજી પળે ભાગીદાર બનેલો મિત્ર તમને ભાગીદારના બધા લાભો આપે તેવું ઈચ્છવાની સાથે તમે અંતરમાં ઊંડે ઊંડે એવું પણ માગો છો કે ભાગીદાર પોતાના લાભ લેતી વખતે ભૂલે નહીં કે તે તમારો મિત્ર છે! બે સંબંધીઓની જુદી જુદી અપેક્ષાઓ બે જાતના સંબંધો એક જ ખીલે બાંધ્યા હોવાથી ભેગી થઈ જાય છે, એક ગૂંચ પડે છે અને એમાંથી કડવાશ પેદા થાય છે.

કેટલાક વળી આની સામે બીજો છેડો પકડે છે. તેઓ બધા સંબંધોને નિઃસ્વાર્થપણાની એરણ પર ચકાસે છે અને બધા સંબંધોમાંથી સ્વાર્થ નિચોવી નાખવા માટે તેને વધુ ને વધુ વળ ચઢાવ્યા કરે છે. આમ કરવા જતાં સ્વાર્થની સાથે લાગણીની ભીનાશ પણ નિચોવાય છે ને પછી આવા શુષ્ક સંબંધ તરફ તેમને નજર માંડવાનું મન થતું નથી.

You might also like