CM રૂપાણીનાં આકરા પ્રહાર,”ખેડૂતો માટે કોંગ્રેસ સરકારે કંઈ જ કર્યું ન હતું”

ગુજરાત અને સમગ્ર ભારતમાં ખેડૂતોનાં દેખાવો દિવસે ને દિવસે વધુ ને વધુ ઉગ્ર બનતા જાય છે. ત્યારે રાજ નેતાઓ ખેડૂતોને લઇ આક્ષેપ પ્રતિ-આક્ષેપો કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે શું કર્યુ્ં. નર્મદા અંગે પણ કોંગ્રેસની ભૂમિકા નકારાત્મક જ રહી હતી.

જો કે મુખ્યમંત્રીનાં નિવેદનની પ્રતિક્રિયાનો જવાબ આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, 23 વર્ષથી ગુજરાત અને છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્રની ભાજપ સરકાર પાસે લોકોને ગણાવવા માટે પોતાની કોઈ સિદ્ધિઓ નથી એટલાં માટે તેઓ કોંગ્રેસની ભૂલો શોધવાનાં સતત પ્રયાસો કરી રહી છે.

કોંગ્રેસની યુપીએ સરકારે દેશનાં 72 હજાર કરોડનાં ખેડૂતોનાં દેવા માફ કર્યા હતાં. આ સિવાય નર્મદા ડેમની ઊંચાઈ પણ વધારવાની હતી. ત્યારે પણ મનમોહનસિંહ ગેરેન્ટર બન્યાં હતાં. કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે ઘણાં કામ કર્યાં છે પરંતુ બીજેપી સરકારે છેલ્લાં 22 વર્ષમાં ગુજરાતનાં ખેડૂતો માટે કંઈ જ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં 10 દિવસનાં આંદોલન પર ઉતરેલાં ખેડૂતોનાં સમર્થનમાં ગુજરાતનાં ખેડૂતો પણ હવે જોડાઇ રહ્યાં છે. ત્યારે ખેડૂતો દ્વારા સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

વિરોધરૂપે હાલમાં સમગ્ર દેશભરમાં ખેડૂતો તેમનાં દૂધ-શાકભાજી વગેરે ઉત્પાદનને રસ્તા પર ફેંકી રહ્યાં છે અને તેની અસર હાલમાં ગુજરાતમાં પણ જોરદાર જોવાં મળી રહી છે. ત્યારે આ મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ એ બંને પક્ષો આમને સામને એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે.

You might also like