Infosys વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફરિયાદ

નવી દિલ્હી: એક અજાણ્યા વ્હિસલ બ્લોઅરે ઈન્ફો‌સિસ વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (યુએસએસઇસી)માં ફોર્મ ર૦-એફ દાખલ કરવામાં બિનજરૂરી વિલંબ બદલ ફરિયાદ કરી છે. વ્હિસલ બ્લોઅરે એવી સ્પષ્ટતા માગી છે કે શું કંપની વિરુદ્ધ કોઇ તપાસ ચાલી રહી છે?

વ્હિસલ બ્લોઅરે પત્રમાં લખ્યું છે કે કંપની તરફથી ફોર્મ ર૦-એફ ફાઇલ કરવામાં થઇ રહેલા વિલંબના પગલે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે અને શેરધારકો માટે પણ જોખમ ઊભું થઇ રહ્યું છે. વ્હિસલ બ્લોઅરે લખ્યું છે કે હું આપને અપીલ કરું છું કે કંપની તરફથી શેરહોલ્ડર સમક્ષ તેનાં વાજબી કારણો જણાવવામાં આવે. સાથે-સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવે કે એસઇસી સમક્ષ કોઇ તપાસ પડતર છે કે કેમ?

યુએસએસઇસીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે નિયમો અનુસાર કોઇ પણ કંપનીએ ફોર્મ ર૦-એફ યુએસએસઇસીને નાણાકીય વર્ષની સમાપ્તિના ચાર મહિનાની અંદર જમા કરાવી દેવું જોઇએ. ઇન્ફો‌સિસ એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષ પર કામ કરે છે અને તેણે જુલાઇના અંત સુધીમાં એસઇસી સાથે જરૂરી માહિતી શેર કરવી જોઇએ.

પત્રમાં જણાવાયું છે કે કંપની સામાન્યતઃ જે ફોર્મ ર૦-એફ ફાઇલ કરે છે તેમાં મે અને જૂનમાં જનરલ મિટિંગ પહેલાં શેરહોલ્ડર માટે યોગ્ય જાણકારી હોય છે. પત્રમાં જણાવાયું છે કે આશ્ચર્યજનક રીતેે આ વર્ષે ફોર્મ ર૦-એફ દાખલ કરવામાં આવ્યું નથી અને એજીએમ તેના પહેલાં જ યોજાઇ ચૂકી છે. ર૩ જૂને બેંગલુરુમાં એજીએમ મળી હતી. પત્રમાં જણાવાયું છે કે અમેરિકન ડિપોઝિટરી રિ‌સિપ્ટ (એડીઆર) શેરધારકો દ્વારા નાણાકીય સ્ટેટમેન્ટની સંપૂર્ણ જાણકારી વગર વોટિંગ કરાવવામાં આવ્યું હતું.

You might also like