Ahmedabad: આવે છે, છવાય છે, પણ વરસતા નથી….

અમદાવાદ: સમગ્ર રાજ્યભરમાં ચોમાસાએ જમાવટ કરી હોઇ ભાવનગર શહેર અને જિલ્લામાં બારે મેઘ ખાંગા થવાથી મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી કાંઠાના વિસ્તારોમાં દરિયાનાં પાણી ઘૂસી ગયાં હતાં.

જોકે રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં રર જુલાઇ સુધી ભારે વરસાદની કોઇ શક્યતા નથી.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લાનાં અનેક ગામોમાં નદીના પાણી હાહાકાર મચાવ્યો છે. ઠેકઠેકાણે રસ્તા પણ પાણીમાં ગરકાવ થતાં વાહનોની અવરજવર પ્રભાવિત થઇ છે. કેટલાક મચ્છુદ્રી ડેમ સહિતના કેટલાક ડેમ છલકાતાં પીવાનાં પાણીનું સંકટ હળવું બન્યું છે.

આ ઉપરાંત ખેતી લાયક વરસાદ થવાથી જગતના તાત એવી ખેડૂત આલમમાં હરખની લાગણી ફેલાઇ છે. ભારે વરસાદે દ.ગુજરાત અને. ઉ.ગુજરાતને પણ ધમરોળ્યું છે, કચ્છમાં હજુ મેઘમહેર થઇ નથી.

અમદાવાદમાં પણ લોકો મૂશળધાર વરસાદ માટે વલખી રહ્યા છે. ઝરમર વરસાદથી રથયાત્રા પર ગઇ કાલે અમી છાંટણાં થયાં હતાં. પરંતુ જોઇએ તેવો વરસાદી માહોલ જામ્યો નથી. જોકે આકાશમાં સવારથી પાણી ભરેલાં કાળાં ભમ્મર વાદળાંનું સામ્રાજ્ય સર્જાય છે તેમ છતાં મેઘરાજા વરસતા નથી. સ્થાનિક હવામાન વિભાગની આગાહી પણ લોકોને નિરાશ કરે તેવી છે.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી રર જુલાઇ સુધી હળવાથી મધ્યમ પ્રકારના વરસાદનું જોર રહેશે. ભારે વરસાદની કોઇ શક્યતા નથી. બીજી તરફ હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેશે.

You might also like