શિવરાત્રીની મહાઆરતી બાદ ભવનાથના મેળાની પૂર્ણાહુતિ, રૂપાણીએ કર્યાં દર્શન

જૂનાગઢના ભવનાથમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળાનું સમાપન થયું છે. મંગળવારે રાત્રે જૂના અખાડા ખાતેથી શ્રી પંચ દશનામ જૂના અખાડા, આવાહન અને અગ્નિ અખાડાના સાધુસંતો તથા નાગા સાધુઓની ધર્મધ્વજા તથા અખાડાનું પ્રતિનિધિત્વ કરતા ધર્મદંડ સાથે વાજતે-ગાજતે રવેડીનો પ્રારંભ થયો હતો.

આ રવેડી સાધુસંતોની રેલી હોય છે, જેમાં તેઓ જાતભાતના દાંવ અને કસરતો કરતા હોય છે. આ રવેડીમાં નાગા સાધુઓએ અંગકસરત, લાઠીદાંવ, તલવારબાજી, ગદા સહિતના હથિયારો વડે વિવિધ કરતબો કર્યા હતા. નાગા બાવાઓના આ પ્રકારના કારનામાં જોઈને રવેડીમાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જૂના અખાડા ખાતેથી શરૂ થયેલી રવેડી ભવનાથ મંદિર, મંગલનાથજી આશ્રમ, દત્તચોક, ટૂરિઝન ગેટ, રૃપાયતન ત્રણ રસ્તા લાલબાપુની જગ્યા, આપાગીગાનો ઉતારો ભારતીબાપુના આશ્રમ નજીકથી નીકળી ફરી ભવનાથ મહાદેવ મંદિરે પરત પહોંચી હતી.

રવેડીમાંથી પરત ફર્યાં પછી સાધુ-સંતોએ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. એવું પણ કહેવાય છે કે આ મૃગીકુંડમાં કેટલાક સિદ્ધ સાધુઓ ડૂબકી મારે છે અને જળસમાધિ લઈ લે છે. તેઓ પાછા ફરતા નથી અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.

રવેડી બાદ ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. મહાશિવરાત્રી નિમિત્તે કરાયેલી મહાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. 5 દિવસ સુધી ચાલેલા મેળામાં અંદાજે છ લાખ લોકોએ લ્હાવો લીધો હતો.

You might also like