સાબરમતી જેલમાં કેદી અને પોલીસ વચ્ચે મારામારી !!!

સાબરમતી જેલમાં કેદીઓ અંદરોઅંદર ઝઘડતા હોય તેવી ઘટના અનેકવાર બનતી હોય છે. એવામાં ફરીથી શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી અને કુખ્યાત આરોપી એવા મનીષ ગોસ્વામીને જેલના સિપાહીઓ અને પાકા કામના કેદીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી.

કોર્ટે આ મામલે ગુનો નોંધવાનો આદેશ આપતાં કાચા કામના કેદી મનીષ ગોસ્વામીએ સાબરમતી જેલના ૧૦થી ૧૫ સિપાહીઓ અને પાકા કામના કેદીઓ સામે મારામારી અને રાયોટિંગની ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જો કે ૩૧ ઓક્ટોબરના રોજ કુખ્યાત આરોપી મનીષ ગોસ્વામી પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં જેલ સત્તાધીશ દ્વારા જેલના નિયમ મુજબ સાદી સજા કરવામાં આવતાં જેલ પોલીસ પર દબાણ લાવવા માટે કોર્ટમાં આ ફરિયાદ કરવામાં આવી હોવાનું જેલ સત્તાધીશોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં સોનીને ફોન કરી ખંડણી માંગવી અને ખંડણી ન આપે તો તેના પર ફાયરિંગ કરી ધમકાવનાર કુખ્યાત એવા મનીષ ગોસ્વામીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમા નોંધાવેલી ફરિયાદ મુજબ જેલમાં ફરજ બજાવતાં સુબેદાર, કોન્ટેબલ અને ૧૦થી ૧૫ જેલ સિપાહીઓ તથા પાકા કામના કેદીઓએ મનીષ ગોસ્વામી પાસે રૂપિયાની માગ કરી હતી. રૂપિયા આપવાની ના પાડતાં જેલ સિપાહી અન્ય પાકા કામના કેદીઓએ ભેગા મળી અને લાકડી વડે માર માર્યો હતો.

સાબરમતી જેલના ડીવાયએસપી વી.એચ. ડીંડોરે આ અંગે જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોમ્બરના રોજ કેદી મનીષ ગોસ્વામીના બેરેકમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. જેલ સત્તાધીશ દ્વારા જેલના નિયમ મુજબ સાદી સજા કરવામાં આવતાં તેમજ મોબાઈલ ફોન મળી આવવા બદલ તેની સામે ગુનો નોંધાવવામાં આવતાં જેલ પોલીસ પર દબાણ લાવવા માટે કેદી મનિષ ગોસ્વામીએ કોર્ટમાં આ ફરિયાદ કરી છે. કેદીનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જેના રિપોર્ટ પરથી તેને પોલીસ અને કેદીઓએ માર માર્યો હતો કે કેમ તે ખ્યાલ આવશે.

You might also like