NRCથી ‘આઉટ’ લોકો પર ચાંપતી નજર રખાશે: કેન્દ્ર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, તે એ ૪૦ લાખ લોકોના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવાનું વિચારી રહી છે, જેમનાં નામ આસામમાં એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યાં નથી. આ લોકો નકલી ઓળખના આધારે અન્ય રાજ્યોમાં પ્રવેશ મેળવીને ત્યાં ગેરકાયદે વસી ન જાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આર.એફ.નરિમનની બેન્ચને જણાવ્યું હતું કે, જેમના નામ એનઆરસીના બીજા અને અંતિમ ડ્રાફ્ટમાં સામેલ નથી તેવા લાખો લોકો પશ્ચિમ બંગાળ સહિત અન્ય કેટલાંક રાજ્યોમાં નાસી છૂટે અને ત્યાં ગેરકાયદે વસી જાય તેવી આશંકા આ રાજ્યોના વહીવટીતંત્રએ વ્યક્ત કરી છે.

આ રાજ્યોની આશંકા દૂર કરવા માટે સરકાર ૪૦ લાખથી વધુ લોકોનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરવાનું વિચારી રહી છે. આ લોકોને વિદેશી જાહેર કરવામાં આવશે અને તેઓ ઓળખના બનાવટી પુરાવાઓના આધારે અન્ય રાજ્યોમાં ઘૂસણખોરી કરે કે ત્યાં ગેરકાયદે વસે તો તેની જાણ તંત્રને થઈ જશે.

You might also like