કેન્દ્ર સરકારે વિમાન ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી

નવી દિલ્હી: સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ હવે વિમાન ઇંધણ એટલે કે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર એક્સાઇઝ ડ્યૂટી ૧૪ ટકાથી ઘટાડીને ૧૧ ટકા કરી છે. ઇંધણના ઊંચા ભાવથી પ્રભાવિત વિમાન ઉદ્યોગને રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

એવિયેશન ઇન્ડસ્ટ્રી મોંઘા એટીએફના કારણે દબાણમાં હતું.  નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગે હવે નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે કે એટીએફ પરની એક્સાઇઝ ઘટાડો ૧૧ ઓક્ટોબરથી અમલમાં આવી જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી એટીએફની કિંમત ૨૦૧૪થી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ હતી.

દિલ્હીમાં એટીએફની કિંમત પ્રતિકિલો લિટર રૂ. ૭૪,૫૬૭ અને મુંબઇમાં તેની કિંમત ૭૪,૧૭૭ હતી. જેટ ફ્યુઅલની કિંમત ગત સાલ જુલાઇમાં પ્રતિકિલો લિટર રૂ. ૪૭,૦૧૩ હતી, જેમાં અત્યાર સુધીમાં ૫૮ ટકાનો વધારો થયો હતો. ગત સપ્તાહે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૫૦ની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. આ ઉપરાંત ઓઇલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલ પર પ્રતિલિટર એક રૂપિયા ઘટાડવા નિર્ણય કર્યો હતો.

એટીએફની કિંમત જુલાઇથી અત્યાર સુધીમાં ૯.૫ ટકા વધી હતી. કેન્દ્રએ રાજ્ય સરકારોને પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડા બાદ વેટમાં બે ટકા ઘટાડો કરવા જણાવ્યું હતું જેનો અમલ કેટલાક રાજ્યો દ્વારા કરાયો હતો.

You might also like