CBSE પેપર લીક મામલોઃ ધો.12નાં અર્થશાસ્ત્રની પુનઃપરિક્ષાની તારીખ જાહેર

CBSE પેપર લીક મામલામાં આજે પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. શિક્ષા સચિવ અનિલ સ્વરૂપે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી છે કે 12માં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા બીજી વાર 25 એપ્રિલનાં રોજ હશે. ત્યાં બીજી બાજુ 10માં ધોરણનાં ગણિતનાં પેપર વિશે તેઓએ જણાવ્યું કે જો આ પરીક્ષા યોજાશે તો તે જુલાઇ માસમાં યોજાઇ શકે છે અને તે પણ માત્ર દિલ્હી અને હરિયાણામાં જ થશે.

ત્યાં જ બીજી વાર પરીક્ષા યોજાવાંથી ગુસ્સે થયેલાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હજી બીજાં દિવસે પણ શરૂ છે. સીબીએસઇ પેપર લીક મામલામાં દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખેલ છે.

તેઓએ પોતાનાં પત્રમાં 26 લાખ વિદ્યાર્થીઓનાં ભવિષ્યને લઇ ચિંતા દર્શાવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેઓએ લીક થવાનાં કારણોસર થઇ રહેલ સીબીએસઇનાં વિવાદ પર પણ ચિંતા દર્શાવી છે.

સિસોદિયાએ પોતાનાં પત્રમાં એવી સલાહ આપી છે કે દેશનાં દરેક શિક્ષા મંત્રીઓને સાથે બેસીને મંથન કરવું જોઇએ કે પરીક્ષાઓને મજબૂત અંદાજે બનાવવામાં આવે અને પરીક્ષા તંત્રમાં કેવી રીતે સકારાત્મક ફેરફાર લાવવામાં આવે.

ત્યાં આજે ચંદન ગુપ્તા નામનો એક ફરિયાદી પણ સામે આવ્યો હતો. ચંદન ગુપ્તાનાં જણાવ્યા અનુસાર,”તેને 27 માર્ચનાં રોજ રાત્રે 10:40 મિનીટ પર પીસીઆરને કોલ કર્યો હતો કે તેને પ્રશ્નપત્ર મળી ગયું છે. આ ક્યાંથી આવ્યું તેનાં વિશે તપાસ કરી લેવી જોઇએ. પોલીસે એ દિવસે મને સવાલ કર્યો હતો અને આ મામલે હવે પોલીસ આગળની તપાસ પણ હાથ ધરી રહી છે.”

તપાસ ટીમે પેપર લીક મામલે એક વધારે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે પેપર લીક વોટ્સએપનાં 10 અલગ-અલગ ગ્રુપ્સ પર થયું હતું. દરેક ગ્રુપમાં 50થી 60 સભ્યો છે.

You might also like