INX મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરવા CBIની માગણી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં ધરપકડથી બચવા વચગાળાની રાહત લંબાવી છે ત્યારે સીબીઆઈએ આ કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરવા માગણી કરી છે.

બીજી તરફ ગઈ કાલે આ મામલે ચિદમ્બરમની આગોતરા જામીનની અરજીનો વિરોધ કરતાં સીબીઆઈએ જણાવ્યું કે આ અંગેની તપાસમાં ચિદમ્બરમે સહકાર આપ્યો ન હતો. તેથી તેમની ધરપકડ થવી જોઈએ. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પહેલી ઓગસ્ટ સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરવા આદેશ કર્યો છે. જસ્ટિસ એ. કે. પાઠક, જેમણે અગાઉ વચગાળાના રક્ષણની મંજૂરી આપી હતી તેમણે જ વધુ એક માસ સુધી રાહત લંબાવતો આદેશ આપ્યો હતો.

અગાઉ ગત ૩૧ મેના રોજે હાઈકોર્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતાને આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈને પૂછપરછમાં સહયોગ આપવા અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવા જણાવ્યું હતું. સીબીઆઈએ આ પૂર્વે કોર્ટની સુનાવણીમાં ચિદમ્બરમના વચગાળાના જામીનનો વિરોધ કર્યો હતો.

સીબીઆઈએ એવી દલીલ કરી હતી કે પૂર્વ નાણાપ્રધાને હાઈકોર્ટ પહેલાં નીચલી કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવી જોઈએ. ચિદમ્બરમે વચગાળાના જામીન માટેની અરજીમાં એવી દલીલ કરી હતી કે તેમની આ કેસમાં સંડોવણી નહીં હોવા છતાં તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

ગત ૩૦ મેના રોજ ચિદમ્બરમ એરસેલ-મેક્સિસ સોદામાં ધરપકડથી બચવા ટ્રાયલ કોર્ટમાં દોડી ગયા હતા. રૂ. ૩૫૦૦૦ કરોડના સોદામાં ‌િસનિયર કોંગ્રેસ નેતાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી હતી. યુપીએ-૧ દરમિયાન વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (FIPB) દ્વારા એરસેલ-મેક્સિસ તેમજ આઈએનએક્સ મીડિયાની રોકાણ દરખાસ્તને મંજૂરી અાપવામા આવી હતી.

You might also like