CBDTનો સપાટોઃ વધુ કેશ જમા કરાવનાર ૩,૦૦૦ લોકોને નોટિસ

નવી દિલ્હી: નોટબંધી બાદ બેન્કમાં વધુ કેશ જમા કરાવનાર લોકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી) તરફથી નોટિસ બજાવવામાં આવી છે. અહેવાલો અનુસાર દેશભરમાં ૩,૦૦૦ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં વધુ કેશ જમા કરાવવા બદલ ખુલાસો માગવામાં આવ્યો છે. બીજી બાજુ સીબીડીટીએ વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના લોન્ચ કરીને ૩૧ માર્ચ સુધી કાળું નાણું સફેદ કરવાની છૂટ આપી છે. આ યોજના આજથી જ અમલમાં મુકાઇ રહી છે.

રેવન્યુ સેક્રેટરી હસમુખ અ‌‌ઢિયાએ આ યોજના લોન્ચ કરતાં જણાવ્યું હતું કે બેન્કમાં પૈસા જમા કરાવવાનો અર્થ એ નથી કે બધા પૈસા વ્હાઇટ હોઇ શકે. તેના પર ટેકસની ચૂકવણી કરવી જરૂરી છે. બેન્કમાં જમા થનારી રકમ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને નાણાકીય તપાસ સંસ્થાઓ સતત વોચ રાખી રહી છે.

સીબીડીટીના કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે અલગ અલગ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં રૂ.૩૯૩ કરોડની કેશ જપ્ત કરવામાં આવી છે. તેમાંથી રૂ.૮૦ કરોડની નવી કરન્સી છે અને રૂ.૭૬ કરોડની જવેલરી છે. તેમણે જણાવ્યું હતું કે રૂ.બે બે લાખ જમા કરાવવાથી કાળા નાણાંની કાર્યવાહીમાંથી છટકી શકાશે નહીં.

રૂપિયા બે લાખ સુધીની ડિપોઝિટ પણ તપાસના દાયરામાં જેમણે બેન્કમાં રૂ.બે લાખ સુધીની ડિપોઝિટ જમા કરાવી છે તેમની પણ ઇન્કમટેકસ દ્વારા સ્કૂટિની કરવામાં આવશે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર કાળાં નાણાં વિરોધી અભિયાનના બીજા તબક્કામાં રૂ.બે લાખ સુધીની રકમ જમા કરાવનાર લોકોના બેન્ક ખાતાંની ઇન્કમટેકસ દ્વારા સ્કૂટિની કરવામાં આવશે. કારણ કે કેટલાક લોકોએ રૂ.બે બે લાખ સુધીની રકમ પોતાના ખાતામાં વારંવાર અલગ અલગ રીતે જમા કરાવીને અથવા તો અલગ અલગ ખાતાઓમાં બે બે લાખ સુધીની રકમ જમા કરાવીને કાળાં નાણાંની તપાસના દાયરામાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે.

home

 

You might also like