CM સિદ્ધારમૈયાના નિવાસ પર હુમલોઃ ૧૬ વિસ્તારમાં કર્ફ્યુ

બેંગલુરુ: કાવેરીના જળને લઇ કર્ણાટક અને તામિલનાડુમાં ૧ર વર્ષ બાદ ખોફનાક હિંસા ભડકી ઊઠી છે. બંને રાજ્યમાં દેખાવકારોએ એકબીજાની સંપત્તિને નિશાન બનાવીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. કર્ણાટકમાં તામિલ નંબરની અને તામિલનાડુમાં કર્ણાટક નંબરની ૧૦પ કરતાં વધુ ગાડીઓને ફૂંકી મારી હતી. પ૦ કરતાં વધુ દુકાનોમાં લૂંટફાટ થઇ હતી. ફાયરિંગમાં એકનું મોત થયું હતું અને ગઇ કાલે ઘવાયેલ એક વ્યકિતની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાય છે. ર૦૦થી વધુ લોકોને કસ્ટડીમાં લેવાયા છે. બેંગલુરુ શહેરનાં ૧૬ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તોફાની ટોળાંએ મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાના નિવાસસ્થાને હુમલો કર્યો હતો.

કર્ણાટક-તામિલનાડુ અને કેરળમાં વહેતી કાવેરીના જળને લઇ ૧૦૦ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં પ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ફરીથી તોફાનો ભડકી ઊઠ્યાં છે. સુપ્રીમે કર્ણાટકને કાવેરી નદીમાંથી દરરોજ ૧પ,૦૦૦ ક્યુસેક પાણી તામિલનાડુને આપવા આદેશ આપતાં કર્ણાટકમાં હિંસા ભડકી ઊઠી હતી અને આ હિંસાની આગમાં તામિલનાડુ પણ લપેટાઇ ગયું હતું.

કર્ણાટક સરકારે આ ચુુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. બેંગલુરુમાં તોફાનની સૌથી વધુ અસર જોવા મળી છે. દેખાવકારોએ તામિલનાડુનું રજિસ્ટ્રેશન ધરાવતી પ૬ બસ ફૂંકી મારી હતી. તામિલનાડુના લોકોની ગાડીઓ અને અન્ય વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

તામિલનાડુનું રજિસ્ટ્રેશન ધરાવતી પ૦ ટ્રકને પણ આગ ચાંપવામાં આવી હતી. સ્થિતિ પર કાબૂ લેવા સીઆરપીએફ, આરપીએફ અને સીઆઇએસએફ ઉપરાંત ર૦,૦૦૦ હોમગાર્ડ અને કેએસઆરપીની ૧૮પ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. સમગ્ર બેંગલુરુમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં ફેક્ટરીઓ, ઓફિસો અને બજાર બંધ છે. પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે બેંગલુરુ શહેરમાં ૧૪૪ની કલમ લગાવી દેવામાં આવી છે.

You might also like