ISની એજન્ટ કેનેડિયન શીખ મહિલા દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરી શકે છે

નવી દિલ્હી: ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ની એજન્ટ તરીકે કામ કરી રહેલી એક કેનેડિયન શીખ મહિલા દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટો કરી શકે છે તેવી બાતમી ગુપ્તચર સૂત્રોને મળતાં સમગ્ર પોલીસ તંત્ર ચોંકી ઊઠયું છે. ગુપ્તચર સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી આ માહિતી અનુસાર આઇએસના કેટલાક એજન્ટ ઘણા સમયથી પાટનગર નવી દિલ્હીમાં ઘૂસી ગયા છે અને તેઓ ગમે ત્યારે બોમ્બ વિસ્ફોટને અંજામ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓ પાસે અા મહિલા એજન્ટનું નામ અને પાસપોર્ટ પણ છે. આ સંદર્ભમાં તમામ એરપોર્ટને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ૩પ વર્ષીય આ મહિલા કોઇ પણ અનિચ્છનીય ઘટનાને અંજામ આપી શકે છે અને તેને આઇએસના અન્ય સભ્યો પણ મદદ કરી રહ્યા છે.

મહિલાનો પાસપોર્ટની મુદત ડિસેમ્બર ર૦૧૬માં પૂૂર્ણ થનાર છે. પાસપોર્ટની ડિટેલ પણ એક મીડિયા ગ્રૂપ પાસે ઉપલબ્ધ છે. જોકે સુરક્ષાના કારણસર તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આઇએસના સંપર્કમાં રહેલ રપ લોકોની ધરપકડ કરનાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. મહિલાના દિલ્હીમાં પ્રવેશ સંબંધી રસ્તાઓની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને બીજા દેશોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સીઓએ અગાઉ પણ તાકીદ કરી હતી કે બહારના દેશોમાં વસતા ભારતીયો આઇએસ તરફ આકર્ષાયા છે. એક ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રથમ ઘટના છે કે જેમાં એક શીખ મહિલાને આઇએસએ પોતાના તરફ આકર્ષી છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયામાં વસતી આ‌િદલ ફૈયાઝ વાદા નામની એક મહિલા જેહાદી બનવા સિરિયાના પ્રવાસે નીકળી પડી હતી.

આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં ર૪ જેટલા ભારતીયો આતંકી સંગઠન આઇએસમાં જોડાઇ ચૂકયા છે. જેમાંથી છનાં જુદી જુદી ઘટનાઓમાં મોત થયા છે અને બે ભારતીયો પરત આવી ચૂકયા છે. એવું કહેવાય છે કે હજુ પણ ૧૬ ભારતીયો આઇએસમાં છે.

You might also like